કાર્યવાહી:જમાલવાડીના શખ્સને પિસ્ટલ સાચવવા આપનાર આરોપીની 2 મહિને ધરપકડ

Gujarat5/15/2026, 12:00:00 AM
કાર્યવાહી:જમાલવાડીના શખ્સને પિસ્ટલ સાચવવા આપનાર આરોપીની 2 મહિને ધરપકડ
શહેરના જમાલવાડી વિસ્તારના શખ્સને પિસ્ટલ સાચવવા આપનાર આરોપીની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપએ ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. ગત તા. 29 માર્ચના રોજ એસઓજીએ શહેરમાં મજેવડી ગેટથી ભરડાવાવ તરફ જતા રોડ પર સોનરખ નદી કાંઠે ગેટથી જમાલવાડીમાં રહેતા શબીર મહમદ શેખની પરવાના વગરની રૂપિયા 20,000ની કિંમતની હાથ બનાવટની પિસ્ટલ સાથે ધરપકડ કરી હતી. પૂછપરછમાં શખ્સે હથિયાર સુખનાથ ચોક વિસ્તારમાં આવેલ પાણીના ટાંકા પાસે રહેતા અલ્ફેઝ મેમણ નામના શખ્સે સાચવવા આપ્યું હોવાનું જણાવતા તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધી તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. દરમિયાન બુધવારે એસઓજીના ઈન્ચાર્જ પીઆઇ કુણાલ પટેલની ટીમને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા બાતમી મળી હતી કે, આર્મ્સ એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપી અલ્ફેજ અમીનભાઈ પીરાણી, રહે. બાલા સૈયદ રોડ, હાલ મજેવડી દરવાજા પાસે આવેલી જૂની આરટીઓ ઓફિસ નજીક છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આરોપીને ઝડપી લીધો હતો. શખ્સનો ગુનાહિત ઈતિહાસ ​ પકડાયેલ આરોપી અલ્ફેજ મેમણનો ગુનાહિત ઈતિહાસ ઘણો લાંબો છે. તેની સામે અગાઉ અમદાવાદ સાયબર ક્રાઈમ, જૂનાગઢ એ ડીવીઝન અને બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી, આર્મ્સ એક્ટ, કેદી અધિનિયમ અને ગંભીર ઇજા પહોંચાડવા સહિતના પાંચથી વધુ ગંભીર ગુનાઓ નોંધાયા હતા.
Read Original Article →