આરોપીએ 4 લાખનું વળતર ચૂકવવાનો આદેશ‎:બાળકીની જાતીય સતામણી, 65 વર્ષના વૃદ્ધ ને આજીવન કેદ

Gujarat6/3/2026, 12:00:00 AM
જૂનાગઢની છઠ્ઠા એડીશ્નલ સેશન્સ કોર્ટે 9 વર્ષ અને 8 માસની માસૂમ બાળકી પર જાતીય સતામણી ગુજારવાના ગુનામાં 65 વર્ષીય રિક્ષાચાલક આરોપી મહમદસફી અબ્દુલ્લાભાઈ અમરેલીયા ઘાંચી (રહે.નાથીબુ મસ્જીદ પાસે, કુંભારવાડા, જૂનાગઢ)ને આજીવન સખત કેદની સજા ફટકારી છે. કેસની ટૂંકી વિગત મુજબ, ઓગસ્ટ 2024 માં જૂનાગઢના એ-ડિવિઝનમાં ફરીયાદ થઇ હતી. ભોગ બનનાર બાળકીના પડોશમાં રહેતા વૃદ્ધ આરોપીએ બાળકીને એકલતાનો લાભ ઉઠાવી પોતાના ઘરે તથા બાળકીના ઘરના ઉપરના માળે લઈ જઈ અડપલાં કરી ગંભીર જાતીય સતામણી કરી હતી. બાળકીએ આ બાબતની જાણ પોતાની માતાને કરતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો અને મેંદરડા પોલીસ સ્ટેશન (તબદીલ થયેલ એ-ડિવિઝન) ખાતે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.તપાસ અધિકારી દ્વારા કોર્ટમાં પોકસો એક્ટની વિવિધ કલમો હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ એન. કે. પુરોહિતે ધારદાર દલીલો કરી હતી અને ભોગ બનનાર બાળકીની જુબાની, તબીબી પુરાવા તેમજ ઓડિયો-વીડિયો રેકોર્ડિંગ સહિતના મજબૂત દસ્તાવેજો રજૂ કરીને ગુનો સાબિત કર્યો હતો. જજ અમિત રમેશભાઈ રાણાએ ગુનાની ગંભીરતા અને બાળકીની કુમળી વયને ધ્યાને રાખી ચુકાદો આપ્યો હતો. કોર્ટે આરોપીને પોકસો એક્ટની કલમ 6 હેઠળ ગુનાહિત કૃત્ય માટે આજીવન કેદ અને 10 હજારનો દંડ, જ્યારે અન્ય કલમો હેઠળ 5 - 5 વર્ષની કેદ તેમજ 4 લાખનો વળતર ચુકવવાનો કોર્ટે આદેશ કર્યો છે.
Read Original Article →