ગ્રોફેડ પાસે અહીં સ્ટેશન બનશે‎:જોષીપરા, વૈભવ, જયશ્રી, ભૂતનાથ અને ગાંધીગ્રામના ત્રણ મળીને કુલ 7 ફાટક નીકળી જશે : કેન્દ્રની લીલીઝંડી

Gujarat5/27/2026, 12:00:00 AM
ગ્રોફેડ પાસે અહીં સ્ટેશન બનશે‎:જોષીપરા, વૈભવ, જયશ્રી, ભૂતનાથ અને ગાંધીગ્રામના ત્રણ મળીને કુલ 7 ફાટક નીકળી જશે : કેન્દ્રની લીલીઝંડી
જૂનાગઢ શહેરના નાગરિકો માટે લાંબા સમયથી સતાવતી ટ્રાફિકની સમસ્યાનો અંત આવવા જઈ રહ્યો છે. પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળના વિસાવદર–જૂનાગઢ મીટર ગેજ સેક્શનમાં ગ્રોફેડ વિસ્તાર ખાતે નવા મીટર ગેજ સ્ટેશનના નિર્માણને રેલવે બોર્ડ દ્વારા સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. ભાવનગર ડિવિઝન ના પી.આર.ઓ. અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટ આગામી સમયમાં જૂનાગઢના શહેરી વિકાસને એક નવી દિશા આપશે. નવા ગ્રોફેડ સ્ટેશનની મંજૂરી મળતાં જ ગ્રોફેડ અને હાલના જૂનાગઢ સ્ટેશન વચ્ચેનો આશરે 4.2 કિલોમીટર લાંબો મીટર ગેજ રેલખંડ કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવશે. હાલમાં આ લાઇન શહેરના ગીચ વસ્તીવાળા વિસ્તારમાંથી પસાર થાય છે, જેના કારણે 7 જેટલા સમપાર ફાટકો વારંવાર બંધ રાખવા પડતા હતા અને શહેરમાં ગંભીર ટ્રાફિક જામ સર્જાતો હતો. હવે આ તમામ 7 ફાટકો દૂર થતાં વાહનચાલકો, શાળાના વિદ્યાર્થીઓ અને ઇમરજન્સી સેવાઓને મોટી રાહત મળશે તેમજ અકસ્માતોની સંભાવના ઘટશે. જુનાગઢના મેયર ધર્મેશ પોશીયા દ્વારા આ બાબતે 2025ના 7માં મહિનામાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને રજૂઆત કરી હતી. ત્યારબાદ સી. એમ. તળાવનું ઓપનિંગ કરવા આવ્યા ત્યારે તેમણે સામેથી પૂછ્યું હતું કે ફાટક નું શું થયું? તે સમયે સાંસદ રાજેશ ચુડાસમા પણ હાજર હતા. ત્યારબાદ ફરી ગાંધીનગર મેયર ગયા ત્યારે ફરી પૂછતા ભુપેન્દ્ર પટેલ એ સીધો કેન્દ્રના રેલ્વે વિભાગનું સંપર્ક કરી ફોનમાં સૂચના આપી હતી. ગત તા.24 ડિસેમ્બર-2025ના રોજ પાંચ મહિના પહેલા જ દિવ્ય ભાસ્કર-જૂનાગઢમાં આ સમાચાર પ્રસિદ્ધ થઇ ચુક્યા હતા. મનપા ગ્રોફેડથી શહેરમાં આવવા માટે બસ મુકશે મુસાફરોની સુવિધા માટે જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા ગ્રોફેડ સ્ટેશનથી મુખ્ય રેલવે સ્ટેશન વચ્ચે ઈ-બસ સેવા શરૂ કરવાનું આયોજન છે. મેયર ધર્મેશ પોશીયાએ કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા જે ઇલેટ્રીક સીટી બસ ફાળવામાં આવનાર છે. તેમાંથી અમુક સીટી બસોને ટ્રેનના સમયે ગ્રાોફેટ રેલવે સ્ટેશનથી મુખ્ય રેલવે સ્ટેશન સુધી મુકવામાં આવશે.
Read Original Article →