અનંત અંબાણીએ જામનગરમાં વનતારા યુનિવર્સિટી શરૂ કરી:વન્યજીવ સંરક્ષણ અને પ્રાણીચિકિત્સા માટે વિશ્વની પ્રથમ ગ્લોબલ યુનિવર્સિટી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણી દ્વારા સ્થાપિત વૈશ્વિક વન્યજીવ સંરક્ષણ સંસ્થા વનતારાએ ગુજરાતના જામનગરમાં વનતારા યુનિવર્સિટીની સ્થાપનાની જાહેરાત કરી છે. વન્યજીવ સંરક્ષણ અને પ્રાણીચિકિત્સા વિજ્ઞાનને સમર્પિત આ યુનિવર્સિટી વિશ્વની પ્રથમ સંકલિત ગ્લોબલ યુનિવર્સિટી છે. વનતારા યુનિવર્સિટી પ્રાણી કલ્યાણ, વૈજ્ઞાનિક પ્રગતિ અને વન્યજીવ સંરક્ષણના ભવિષ્ય સાથે મૂળથી જોડાયેલી છે. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ પ્રાણીચિકિત્સા ઔષધિ (વેટરીનરી મેડિસીન), સંરક્ષણ અને વન્યજીવ સંભાળના ભાવિ નેતૃત્ત્વને તૈયાર કરવાનો છે. તેનો અભ્યાસક્રમ ભારતની જ્ઞાન પરંપરાઓનો ઉપયોગ કરીને શિક્ષણના ઉદ્દેશ-આધારીત અને ભવિષ્ય-લક્ષી મોડેલને આકાર આપશે. આ યુનિવર્સિટી ભારતને વન્યજીવ અને પ્રાણીચિકિત્સા શિક્ષણ માટેના ગ્લોબલ હબ તરીકે પ્રસ્થાપિત કરવાનું લક્ષ્ય ધરાવે છે. અનંત અંબાણીએ જણાવ્યું હતું કે,"વન્યજીવ સંરક્ષણનું ભવિષ્ય એ બાબત પર નિર્ભર રહેશે કે આપણે કેવી રીતે કરુણા, જ્ઞાન અને કૌશલ્ય સાથે જીવનની સેવા કરવા માટેના મન અને સંસ્થાઓને તૈયાર કરીએ છીએ."તેમણે ઉમેર્યું કે તણાવપૂર્ણ પરિસ્થિતિમાં રહેલા પ્રાણીઓને જોવાની તેમની વ્યક્તિગત યાત્રા અને તેમની સંભાળમાં વધુ ક્ષમતાની જરૂરિયાતની સમજથી વનતારા યુનિવર્સિટીને આકાર મળ્યો છે. પ્રાચીન નાલંદા યુનિવર્સિટીના સિદ્ધાંતો અને "આનો ભદ્રા: ક્રતવો યન્તુ વિશ્વત:" (બધી દિશાઓથી ઉમદા વિચારો આપણને પ્રાપ્ત થાઓ) શ્લોકના ભાવથી પ્રેરિત, આ યુનિવર્સિટી દરેક જીવમાત્રનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ નવી પેઢીને તૈયાર કરવા સંકલ્પબદ્ધ છે. આ મૂલ્યોને પ્રતિબિંબિત કરતા, શિલાન્યાસ સ્થળની ડિઝાઇનમાં બે બિજોલિયા રેતશીલાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વર્તમાનમાં બિહારમાં આવેલી પ્રાચીન નાલંદાના ભૂસ્તરશાસ્ત્રીય પાયામાં રહેલી પ્રાચીન વિંધ્ય રચનાથી પ્રેરિત આ શિલાઓ ભારતના જ્ઞાન અને શિક્ષણના કાયમી વારસાનું પ્રતીક છે. હિન્દુ પરંપરાઓ અનુસાર આયોજિત આ શિલાન્યાસ સમારોહમાં શ્રી અનંત અંબાણીના શિક્ષકો અને મેન્ટર્સ સહિત શિક્ષણ, વિજ્ઞાન, સંરક્ષણ અને જાહેર જીવનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું હાર્દ હતું પ્રતિકાત્મક શિલાન્યાસ, જેમાં ભારતભરના જૈવિક વિવિધતાથી સમૃદ્ધ પ્રદેશો જેમકે ઘાસિયા મેદાનો, જંગલો, વેટલૅન્ડ્સ, સૂકા પ્રદેશો અને હિમાલય તેમજ દેશના ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ અને મધ્ય ભાગોમાં આવેલા અન્ય ઉચ્ચપ્રદેશોમાંથી એકત્ર કરવામાં આવેલા માટી, પાણી અને પથ્થરનું વિધિપૂર્વક સ્થાપન કરવામાં આવ્યું હતું. આ વિધિ ભારતની ઇકોલોજીકલ સમૃદ્ધિ અને દેશના કુદરતી વારસા પર યુનિવર્સિટીના નિર્માણના વિઝનનું પ્રતીક હતું. વનતારા યુનિવર્સિટી એક જ શૈક્ષણિક ઇકોસિસ્ટમમાં અનેક અલગ-અલગ વિદ્યાશાખાઓને એકજૂટ કરશે, જે વાસ્તવિક સંરક્ષણ પ્રણાલિઓ સાથે સંકળાયેલી હશે. વનતારાના જમીન પરના કાર્યની નિપુણતાનો ઉપયોગ કરીને, આ યુનિવર્સિટી ફિલ્ડ પરના જ્ઞાનને શૈક્ષણિક કાર્યક્રમો, વ્યાવસાયિક તાલીમ અને વૈશ્વિકરીતે સુસંગત માળખામાં તબદિલ કરશે, કરુણા, વિજ્ઞાન અને સંરક્ષણનું એક અનોખું મિશ્રણ કરીને. આ યુનિવર્સિટી વ્યાવસાયિકોને વન્યજીવ અને ઇકોસિસ્ટમની સુખાકારીમાં આવતા જટિલ અને સતત બદલાતા પડકારોનો સામનો કરવા માટે સુસજ્જ બનાવશે.
આ યુનિવર્સિટી વિવિધ વિદ્યાશાખાઓમાં અંડરગ્રેજ્યુએટ, પોસ્ટ-ગ્રેજ્યુએટ, ફેલોશિપ તથા અન્ય વિશિષ્ટ અભ્યાસક્રમો ઉપલબ્ધ બનાવશે. આમાં વન્યજીવન ઔષધિ તેમજ શસ્ત્રક્રિયા, પોષણ, વર્તણૂકીય વિજ્ઞાન, આનુવંષિકતા, રોગશાસ્ત્ર, વન હેલ્થ, સંવર્ધન નીતિ અને કુદરતી પ્રાણી સંભાળને લગતી પર્યાવરણ ડિઝાઇનનો સમાવેશ થાય છે. વનતારાની ઓપરેશનલ ક્ષમતાઓ સાથે સંરેખિત સ્પેશ્યલાઈઝ કોલેજો થકી આ યુનિવર્સિટી દ્વારા સામાજિક અને આર્થિક રીતે હાંસિયામાં ધકેલાયેલા વર્ગોના વિદ્યાર્થીઓને સહાય પૂરી પાડવા શિષ્યવૃત્તિ પણ આપશે. વનતારા યુનિવર્સિટીને અદ્યતન શૈક્ષણિક અને ક્લિનિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આંતરરાષ્ટ્રીય સહયોગો તેમજ રહેણાંક કેમ્પસનો સહયોગ મળશે. તે પ્રાણી કલ્યાણ અને અદ્યતન સંરક્ષણ પ્રણાલીને મજબૂત બનાવવા માટે કાર્યલક્ષી સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેનું શૈક્ષણિક મોડેલ ઇન-સિટુ અને એક્સ-સિટુ સંવર્ધનનું સંકલન કરશે, કુદરતી આવાસોને વૈજ્ઞાનિક સંભાળ અને લાંબાગાળાના વન્યજીવ કલ્યાણ તથા વ્યવસ્થાપન સાથે જોડશે. પ્રાણી સંવર્ધનના ભવિષ્યનું ઘડતર વર્ગખંડો, પ્રયોગશાળાઓ અને માનવીના અંતરાત્મા તેમજ જંગલોમાં જ થશે તે બાબતને સારી રીતે અનુભવીને આ યુનિવર્સિટી વન્યજીવ પશુચિકિત્સા વિજ્ઞાન અને સંવર્ધન શિક્ષણને આગળ ધપાવવાનો ઉદ્દેશ ધરાવે છે. તે એક સાથે વન્યજીવ આરોગ્ય, પ્રાણી સંભાળ પર્યાવરણ ડિઝાઇન અને સંરક્ષણમાં જ્ઞાન સંસાધનો વિકસાવશે, જે શિક્ષણ, સંશોધન અને નવીનતા માટે લાંબાગાળાના પ્લેટફોર્મ તરીકે સેવા આપશે. આ શિલાન્યાસ સમારોહની સાથે જ કરુણાસભર સંવર્ધન શિક્ષણને આગળ વધારવા માટેના વ્યાપક રાષ્ટ્રીય પ્રયાસનો પણ શુભારંભ થયો હતો. આમાં 'વનતારા યુનિવર્સિટીના સ્થાપક ફેલો' અને 'એવરી લાઇફ મેટર્સ' શિષ્યવૃત્તિની જાહેરાતનો સમાવેશ થાય છે, જેની સાથે જ જ્ઞાનનો ઉપયોગ માત્ર પ્રગતિ માટે જ નહીં, પરંતુ રક્ષણ માટે પણ કરવાનું આહ્વાન કરાયું છે. વનતારા યુનિવર્સિટીના વિઝનમાં તેને એક શૈક્ષણિક પ્લેટફોર્મ કરતાં પણ એક કદમ આગળ પ્રસ્થાપિત કરવામાં આવી છે. તે એ દૃષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે કે વન તથા વન્યજીવોને માત્ર પ્રશંસા જ નહીં, પણ જ્ઞાન, પ્રણાલીઓ અને પ્રશિક્ષિત હાથો વડે કરાતી સેવાની પણ જરૂર છે. વનતારા વિશે:
વનતારા એ ભારતના ગુજરાતમાં જામનગર ખાતે આવેલી વન્યજીવોના બચાવ, પુનર્વસન, આરોગ્યસંભાળ અને સંરક્ષણ માટેની પાયાની પહેલ છે. અદ્યતન પ્રાણીચિકિત્સા (veterinary medicine), કલ્યાણ-લક્ષી સંભાળ, વ્યાવહારિક વિજ્ઞાન (applied science) અને મોટા પાયે સંરક્ષણ આયોજનનો સમન્વય કરીને, વનતારા વિવિધ પ્રજાતિના પ્રાણીઓ માટે વિશિષ્ટ સારવાર, રિકવરી અને લાંબા ગાળાની સહાય પૂરી પાડે છે. સંરક્ષણ પ્રજનન (conservation breeding), પ્રજાતિઓની પુનઃપ્રાપ્તિ અને ભવિષ્યમાં તેમને ફરીથી કુદરતી આવાસમાં મુક્ત કરવાના માર્ગોમાં વધતી જતી ભૂમિકા સાથે, વનતારા વન્યજીવન આરોગ્ય સંભાળ, સંરક્ષણ વિજ્ઞાન અને પ્રજાતિઓના પુનઃસ્થાપનમાં આંતરરાષ્ટ્રીય સ્તરના ઉત્કૃષ્ટ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે
Read Original Article →