ફરિયાદ:ટ્રાવેલ્સનો ધંધાર્થી 4 વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયો, રૂપિયા 11.90 લાખ વ્યાજ ચૂકવ્યું..!

Gujarat4/8/2026, 12:00:00 AM
જામનગર શહેરમાં વધુ એક ટ્રાવેલ્સના ધંધાર્થી ચાર વ્યાજખોરોની ચુંગાલમાં ફસાય જતાં રુ.41.50 લાખ વ્યાજે લઈ લીધા હતા. વ્યાજ ચુકવવા માટે ચાર ફોર વ્હીલ વાહનો ગીરવે મુકી દીધા છે અને રૂ.11.90 લાખ ચુકવી દેવા છતાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરે છે. જામનગર મહાનગરપાલીકાના સફાઇકર્મી પણ વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. શહેરના સાંઢીયાપુલ મામા સાહેબના મંદીરથી આગળ સોમનાથ હોટલની બાજુમાં રહેતા સંજયભાઈ રણમલભાઈ નકુમ (ઉ.વ.27) નામના યુવાન ટ્રાવેલ્સનો ધંધો કરતો હતો અને ભાડેથી વાહનો રાખ્યા હતા.આર્થિક તંગીમાં આવતા વ્યાજખોરોની ચુંગાલમાં ફસાય ગયો હતો. તે કટકે-કટકે રૂ.41.50 લાખ વ્યાજે લઈ લીધા હતાં. જેનું રાક્ષસી વ્યાજ વ્યાજખોરો વસુલતા હતા. જેના બદલમાં યુવાને ચાર જેટલા ફોર વ્હીલરો પણ ગીરવે મુકી દીધા હતા. તેમણે દિવ્યરાજસિંહ જાડેજાને રૂ.2 લાખ તેમજ મયુરસીંહ જાડેજાને રૂ.1.30 લાખ, સહદેવસિંહ જાડેજાને રૂ.1.60 લાખ તેમજ કરણસિંહ જાડેજાને રૂ.7 લાખ વ્યાજ ચુકવી આપેલ હતું. તેમ છતાં આરોપીઓ રૂબરૂ તેમજ ફોન ઉપર વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપતા હતા. અલગ-અલગ બેંકના 40 જેટલા ચેક બળજબરીથી કઢાવી ગયા હતા. શહેરના દિગ્વિજ્ય પ્લોટ-45માં રહેતા હિતેશભાઈ મોહનભાઈ પરમાર (ઉ.વ.52) નામના જામ્યુકોના સફાઇ કામદાર પટેલ કોલોનીમાં નિલેશભાઇ દિક્ષિત પાસેથીરૂ.1 લાખ દશ ટકા વ્યાજે લીધા હતા અને સફાઇકર્મીના એટીએમ કાર્ડ, પાસબુક અને ચેક બુક લઈ ગયેલ છે અને ત્રણ બ્લેંક ચેક સહી કરેલા મેળવી લીધા છે. પગાર જમાં થાય એટલે એટીએમથી પગાર ઉપાડી લેતો હતો. જેથી સફાઇકર્મીએ સેલેરી એકાઉન્ટ બંધ કરાવી દીધું હતું. જેથી વ્યાજખોરે ધમકી આપીને દર મહિને રોકડ રૂ.10 હજાર વ્યાજ વસુલતો હતો અને અત્યાર સુધીમાં રુ.10 લાખ ચુકવી દીધા છે તેમ છતાં વધુ રૂ.7 લાખની પઠાણી ઉઘરાણી કરીને ધમકી આપતા હોવાની ફરિયાદ નોંધાઇ છે. ટ્રાવેલ્સના ધંધાર્થીએ સામે વિશ્વાસઘાતની ફરિયાદ શહેરના પટેલ કોલોનીમાં રહેતા ધ્રુવરાજસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પોતાના સંબંધીઓની બે કાર આરોપી સંજય રણમલભાઈ નકુમ પાસે ભાડે રાખી હતી અને સમયસર ભાડુ ન આપી વિશ્વાસમાં લઈને અન્ય સંબંધીઓ સહિત 14 ગાડીઓ ભાડે રાખી હતી અને ભાડાના કુલ રૂ.5.10 લાખ અને 14 વાહનો પરત ન આપીને સંજય નકુમ તેમજ રણમલ કુરજીભાઈ નકુમ નાશી છુટીને વિશ્વાસઘાત કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
Read Original Article →