તંત્ર દ્વારા ટ્રાફિક વ્યવસ્થા સુધારવામાં આવે:જી.જી.માં રસ્તા પર રિક્ષા પાર્ક, એમ્બ્યુલન્સોને પડતી હાલાકી
જામનગરની ઐતિહાસિક અને રાજાશાહી વખતની જી.જી. હોસ્પિટલની જૂની બિલ્ડિંગની તોડફોડની કામગીરી હાલ પ્રગતિમાં છે, જેને પગલે વિવિધ વિભાગોને નવી આધુનિક બિલ્ડિંગમાં શિફ્ટ કરવામાં આવી રહી છે. આ બદલાવ વચ્ચે હોસ્પિટલ પરિસરમાં દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓની સતત ભારે અવરજવર રહે છે. જોકે, આ ગંભીર માહોલ વચ્ચે પણ હોસ્પિટલના મુખ્ય ગેટની સામેના જાહેર રોડ પર અમુક રિક્ષા ચાલકો દ્વારા બેજવાબદાર રીતે આડેધડ રિક્ષાઓ પાર્ક કરવામાં આવી રહી છે. આ આડેધડ પાર્કિંગના કારણે હોસ્પિટલનો મુખ્ય માર્ગ અત્યંત સાંકડો બની જાય છે. પરિણામે ગંભીર હાલતમાં દર્દીઓને લઈને આવતી એમ્બ્યુલન્સ, અન્ય વાહનો તેમજ પગપાળા આવતા લાચાર દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કટોકટીના સમયે અહીં વારંવાર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય છે, જેના લીધે ગંભીર દર્દીઓની તાત્કાલિક સારવારમાં વિલંબ થવાની અને તેમનો જીવ જોખમમાં મુકાવાની ભીતિ સેવાઈ રહી છે. તંત્ર દ્વારા આ બાબતે તાકીદે કડક પગલાં ભરી ટ્રાફિક વ્યવસ્થા સુધારવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે.
Read Original Article →