વ્યાજખોરોએ આટલાથી ન અટકતા ચેક રિટર્ન કરી ફરિયાદ પણ કરી:શાકભાજીના વેપારી પાસેથી લાખો રૂપિયાનું વ્યાજ ઉઘરાવી ગાડી પડાવી
જામનગરમાં શાકભાજીનો વેપાર કરતા વેપારીને 6.40 લાખના રૂપિયા વ્યાજે આપી લાખો રૂપિયા પડાવી કાર ઝૂંટવી લઈ તેણે આપેલો ચેક બેંકમાં નાખી રિટર્ન કરાવીને ફરિયાદ કરતા કંટાળેલા વેપારીએ વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. શાકભાજીનો વેપાર કરતા મુકેશભાઈ રાઘવજીભાઈ કણજારીયા (ઉ.વ.50 ધંધો. વેપાર રહે, રણજીતસાગર રોડ ન્યુ ભાનુ પેટ્રોલ પંપ પાછળ વાડી વિસ્તાર) એ વ્યાજખોર અશોક ઉર્ફે જાંબુ મુળજીભાઇ નંદા (રહે- રણજીતસાગર રોડ મારૂ કંસારા હોલની સામે) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવાયા અનુસાર ફરિયાદી 2021 મા ગ્રીનસીટી ખાતે શાકભાજીની દુકાન ચલાવતા હતા ત્યારે તેમના માતા બીમાર પડતા નાણાભીડના કારણે રૂપીયાની જરૂર ઊભી થઈ હતી. આથી દુકાન ઉપર શાકભાજી લેવા આવતા આરોપી અશોક ઉર્ફે જાંબુ મુળજીભાઇ નંદાને વાત કરી હતી. આ વેળાએ અશોક ઉર્ફે જાંબુએ જણાવ્યું કે કે હુ તમોને રૂપીયા આપુ પરંતુ તમારે મને એક નવી સ્વીફટ કાર લઇ આપવાની તથા માસીક 5 ટકા વ્યાજ ચુકવાનુ રહેશે અને જ્યારે રૂપીયા પરત આપો તે સમયે હુ ગાડી પરત આપી દઈશ. બાદમાં ફરિયાદીએ અશોક ઉર્ફે જાંબુ પાસેથી 2021 મા રૂ.6,40,000 રૂપીયા 5 ટકા વ્યાજે લીધા હતા. અને આરોપીએ રૂ. 1,00,000 પરત લઇ ગાડી લેવા માટે ડાઉન પેમેન્ટ ભરી દીધું હતું. બાદમાં ફરિયાદીના ભત્રીજા શુભમ જેરામભાઈ કણજારીયાના નામે સ્વીફટ ગાડી લીધી હતી અને બે કોરા ચેક તથા મારા ભત્રીજા શુભમના બે કોરા ચેક સિક્યુરીટી પેટે આપેલ હતા. આમ ફરિયાદીએ અશોક ઉર્ફે જાંબુને તેની મુદ્દલ રકમ તથા કૂલ આશરે વ્યાજ રૂ.7,70,000 ચુકવી આપ્યું હતું બાદમાં ભત્રીજા સુભમના નામની સ્વીફટ ગાડી માંગતા અશોક ઉર્ફે જાંબુએ ગાડી આપવાની ના પાડી દીધી અને ગાળો આપી કહ્યું કે મારા વિરુધ્ધ પોલીસ ફરીયાદ કરીશ તો જાનથી મારી નાખીશ અને મૃત્યુનો ભય બતાવી ડરાવી ધમકાવી સ્વીફટ ટુકડો ગાડી બળજબરીથી પચાવી પાડી હતી. વધુમાં આરોપી અશોકે ફરિયાદીના ભત્રીજાના નામના સેન્ટ્રલ બેંકના કોરા ચેક બેંકમાં નાખી નેગોશબીયલની ફરીયાદ જામનગરમાં કરી હતી. આ કેસમા સમાધાન કરવા અને ગાડી તેના નામે કરી આપવા આ અશોક ઉર્ફે જાંબુ ફરિયાદી તથા તેના ભત્રીજા સુભમને તેમજ મોટા ભાઈ જેરામભાઇને અવાર નવાર ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે ફરિયાદના આધારે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
Read Original Article →