ટ્રાફિકજામ:રંગમતી નદીના સર્વિસ રોડ સાંકડો,દરબારગઢ સુધી વાહનોની કતાર લાગી
જામનગર શહેરના કાલાવડ નાકા બહાર રંગમતી નદી પરનો વર્ષો જૂનો અને જર્જરિત રિવર બ્રિજ તોડીને નવા પુલના નિર્માણની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. વાહનવ્યવહાર ખોરવાય નહીં તે માટે જામ્યુકો તંત્ર દ્વારા બ્રિજની બાજુમાં જ નદીના પટમાંથી એક વૈકલ્પિક સર્વિસ રોડ બનાવીને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. નિયમ મુજબ આ સાંકડા સર્વિસ રોડ પરથી માત્ર નાના વાહનો જ પસાર કરવાના આદેશો છે, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ જોવા મળી રહી છે. સોમવારે સાંજના પીક-અવર્સ દરમિયાન આ સર્વિસ રોડ પર અચાનક વાહનોનો ભારે ધસારો થતાં અને નિયમોનું ઉલ્લંઘન થતાં કીડીવેગે ટ્રાફિક જામ સર્જાયો હતો. જોતજોતામાં ટ્રાફિકની સમસ્યા એટલી હદે વણસી ગઈ કે વાહનોની લાંબી કતારો છેક દરબારગઢ સુધી પહોંચી ગઈ હતી. કલાકો સુધી વાહનચાલકો અટવાયા હતા અને રીતસરનો ચક્કાજામ થઈ ગયો હતો. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસ કાફલાને મેદાને ઊતરવું પડ્યું હતું. પોલીસે ભારે જહેમત અને કલાકોની મથામણ બાદ ટ્રાફિક હળવો કરીને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.
Read Original Article →