માનવ અધિકાર આયોગનું કડક વલણ‎:દર્શનાર્થી ડોક્ટર દંપતીને ગોંધી રાખવા બાળાને ડીટેઈન મુદ્દે આયોગની લાલઆંખ

Gujarat5/19/2026, 12:00:00 AM
દ્વારકાના દ્વારકાધીશ મંદિરે દર્શને આવેલા સરકારી તબીબ ડૉ. વિવેક શુક્લા અને ડૉ. શ્રીલેખા શુક્લા સામે અમાનવીય વર્તન કરી, તેઓનું અપમાન કરવા તેમજ તેઓની 11 વર્ષની બાળકીને રાત્રે નવ વાગ્યા સુધી ગેરકાયદેસર રીતે પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખવા મામલે રાજ્ય માનવ અધિકાર આયોગે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. આયોગે આ મામલે એસપી અને કલેક્ટરને પુરતી નિયમોનુસાર તાકીદે ઘટતી કાર્યવાહી કરવાના આદેશો જારી કર્યા છે. અરજદાર ડૉક્ટર દંપતી દ્વારા સોગંદનામા પર કરાયેલી ગંભીર રજૂઆત બાદ માનવ અધિકાર આયોગે નોંધ્યું છે કે, મંદિરના અધિકારીઓ અને સુરક્ષા સ્ટાફ દ્વારા દર્શનાર્થીઓના માનવ અધિકારોનું હનન કરવાનો આ બીજો કે ત્રીજો બનાવ છે. આ પૂર્વે પણ એક યુવાનને લાંબો સમય પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખી તેની સામે ખોટી ફરિયાદ નોંધવામાં આવી હતી. ચાલુ કેસમાં, ઘટના સમયે ગેરહાજર રહેલા વિજયભાઈ મનસુખભાઈ પાઢ નામના વ્યક્તિનો ઉપયોગ કરી ડૉક્ટર દંપતી સામે દ્વેષપૂર્ણ ભાવનાથી કાયદાનો દુરુપયોગ કરાયો હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ સ્પષ્ટ થાય છે, જે બાબતે એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા પણ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. માનવ અધિકાર આયોગે સત્તાના દુરુપયોગ બદલ મંદિરના વહીવટદાર હિમાંશુભાઈ ચૌહાણ, પીઆઈ વી.કે. કોઠીયા, પીએસઆઈ આર.એન. ચોપડા તેમજ સુરક્ષાકર્મીઓ નરેન્દ્ર ચૌહાણ, અર્જુન સુમણીયા અને મમતાબેન સામે સ્વતંત્ર તપાસ હાથ ધરી છે. આક્ષેપિતોએ હાજર રહી ખુલાસા આપવા પડશે આ કેસની વધુ સુનાવણીમાં તમામ આક્ષેપિત અધિકારીઓએ આયોગ સમક્ષ રૂબરૂ હાજર રહી પોતાનો ખુલાસો આપવો પડશે, જ્યારે ટેમ્પલ ટ્રસ્ટના મુખ્ય વહીવટદારે આ અંગે આંતરિક તપાસ અહેવાલ સોંપવાનો રહેશે. આ ચકચારી કેસની ગંભીરતાને જોતા આયોગે જિલ્લાના એસ.પી.અને ડી.એમ.ને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સુનાવણીમાં ફરજિયાત હાજર રહેવા તાકીદ કરી છે.
Read Original Article →