સિક્કા નગરપાલિકામાં નવા પ્રમુખ-ઉપપ્રમુખની વરણી:સારા વાઘાણી પ્રમુખ, નિશાબેન ગોસ્વામી ઉપપ્રમુખ સર્વાનુમતે ચૂંટાયા
સિક્કા નગરપાલિકામાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. સારા ઈરફાન વાઘાણીને પ્રમુખ પદે અને નિશાબેન રોહિતકુમાર ગોસ્વામીને ઉપપ્રમુખ પદે સર્વાનુમતે ચૂંટવામાં આવ્યા છે. આ વરણી પ્રક્રિયા સિક્કા નગરપાલિકાના સભાખંડમાં યોજાઈ હતી. ગ્રામ્ય પ્રાંત અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારી એસ.ડી. બારડની અધ્યક્ષતામાં આ સામાન્ય સભા હાથ ધરવામાં આવી હતી. કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રમુખ પદ માટે સારા ઈરફાન વાઘાણી અને ઉપપ્રમુખ પદ માટે નિશાબેન રોહિતકુમાર ગોસ્વામીના નામ નક્કી કરવામાં આવ્યા હતા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ કથીરિયા અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઈકબાલભાઈ સુમરા પ્રદેશ નેતૃત્વ તરફથી મળેલું 'મેન્ડેટનું કવર' લઈને સિક્કા પહોંચ્યા હતા. આ કવર સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યા બાદ, કોંગ્રેસ દ્વારા પ્રસ્તાવિત બંને નામોને સભામાં હાજર તમામ સભ્યોએ સર્વાનુમતે મંજૂર રાખ્યા હતા. નગરપાલિકામાં કોંગ્રેસના 16 સભ્યો, ભાજપના 8 સભ્યો અને 3 અપક્ષ સભ્યો છે. અપક્ષ સભ્યોએ કોઈ પક્ષને ટેકો આપ્યો ન હતો. નવા વરાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખને સિક્કા નગરપાલિકાના સભ્યો અને સ્થાનિક આગેવાનો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
Read Original Article →