તસ્કરી:શહેરમાં વેપારીના સવા કલાક બંધ મકાનમાંથી 4 લાખની ચોરી

Gujarat5/16/2026, 12:00:00 AM
જામનગર શહેરના સનમ સોસાયટીમાં વેપારી પરિવાર મકાનને તાળા મારીને દુકાન ગયાને સવા કલાકમાં તસ્કરો ત્રાટકીને રોકડ તેમજ સોના-ચાંદીના દાગીના મળીને રૂ.4 લાખના માલમતાની ચોરી કરી ગયાની ફરિયાદથી પોલીસમાં દોડધામ મચી ગયો છે. શહેરના કાલાવડ નાકા બહાર એસ.ટી.ડિવિઝનની સામે સનમ સોસાયટી, ખફી હોલ પાસે રહેતા અલ્તાફભાઈ ગનીભાઈ સમા (ઉ.વ.52) નામના વેપારીની ગનીભાઈ પાનવાળા તરીકેની દુકાન આવેલી હોય, અને તેઓ ગત તા.14ના રાત્રીના સવા બારેક વાગ્યે ઘરને તાળા મારીને પરિવારના સભ્યો દુકાને ગયા હતા. બાદમાં રાત્રીના દોઢેક વાગ્યે ઘરે આવ્યા હતા. આ સવા કલાક દરમિયાન કોઇ અજાણ્યા શખસોએ મકાનના દરવાજાના તાળુ તોડી લાકડાના કબાટ ખોલી તેમાં રખેલા સોનાના ચેન-પેન્ડલ બે તેમજ કાનની બુટી, સોનાની લેડીસ વીંટી, ચાંદીના સાંકળા, ચાંદીના હાથમાં પહેરવાની પોચી 1 જોડી, ચાંદીની નાની ઝાંઝરી, ચાંદીની લક્કી મળીને કુલ રૂ.3,56,000ના સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રૂ.43,100 મળીને કુલ રૂ.3,99,100ના મુદામાલની ચોરી કરી લઈ ગયા હતા. જે અંગેની જાણ થતાં વેપારીએ જાણ કરતા પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. અજાણ્યા શખસો સામે ગુનો નોંધીને ધરપકડ માટે શોધખોળ આરંભી છે. તે વિસ્તારમાંથી સીસીટીવી કેમેરા પણ મેળવવામાં આવી રહ્યા છે.
Read Original Article →