વેપારીના ગુમ ₹6 લાખ પોલીસે નેત્રમ દ્વારા પરત અપાવ્યા:સીસીટીવી અને ત્વરિત કાર્યવાહીથી ગણતરીના કલાકોમાં સફળતા
રાજકોટ શહેરના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (નેત્રમ) એ તાજેતરમાં પોતાની કાર્યક્ષમતા દર્શાવી છે. એક વેપારીની ગુમ થયેલી ₹6 લાખ રોકડ ભરેલી થેલી સીસીટીવી નેટવર્ક અને પોલીસની ત્વરિત કાર્યવાહીને કારણે ગણતરીના કલાકોમાં જ મૂળ માલિકને સુરક્ષિત પરત મળી હતી. વાહનમાં લટકાવેલી 6 લાખ ભરેલી થેલી પડી ગઈ
પંચવટી સોસાયટીમાં રહેતા 61 વર્ષીય વેપારી તિરથભાઈ એ. લાલવાણી 05 એપ્રિલ, 2026 ના રોજ સવારે આશરે 11:30 વાગ્યે પોતાના જ્યુપીટર મોટરસાયકલ (નંબર: GJ-10-EJ-1323) પર દુકાને જઈ રહ્યા હતા. તેમના વાહનના આગળના ભાગે લટકાવેલી ત્રણ થેલીઓમાંથી એકમાં ₹6 લાખ રોકડ હતી. હનુમાન ગેટથી અંબર ચોકડી વચ્ચેના માર્ગ પરથી પસાર થતી વખતે આ રોકડ ભરેલી થેલી અચાનક પડી ગઈ હતી. દુકાને પહોંચ્યા બાદ થેલી ગુમ હોવાનું જણાતા વેપારીએ તાત્કાલિક નેત્રમ સેન્ટરનો સંપર્ક કર્યો અને અરજી નંબર 36/2026 થી ફરિયાદ નોંધાવી. સીસીટીવી કેમેરામાં ભંગારની ફેરી કરતો ઈસમ થેલી ઉપાડતાં દેખાયો
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને,PSI બી.બી. સિંગલના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. પરેશભાઈ ખાણધર, સ્ટાફના પ્રદિપસિંહ સોઢા, અને કોન્સ્ટેબલ જેશાભાઈ ડાંગર, મિતલબેન સાવલીયા, પારૂલબા જાડેજા, દિવ્યાબેન વાઢેરની ટીમે તાત્કાલિક સર્વેલન્સ શરૂ કર્યું. પોલીસે હનુમાન ગેટ, જી.જી. હોસ્પિટલ અને અંબર રોડ વચ્ચેના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા. જેમાં લાલ રંગનું શર્ટ પહેરેલો એક ભંગારની ફેરી કરતો ઇસમ (ત્રણ વ્હીલની સાયકલ વાળો) રસ્તા પરથી પસાર થતી વખતે આ થેલી ઉપાડતો જોવા મળ્યો. પોલીસે તુરંત જ તે ઇસમનો ફોટો પાડી પોલીસ વોટ્સએપ ગ્રુપમાં શેર કર્યો. ભંગારની ફેરી કરતાં શખ્સે પ્રામાણિકતા દાખવી
આ દરમિયાન, થેલી મેળવનાર ઇસમે પોતાની પ્રામાણિકતા દાખવી. તે પોતાના પરિચિત કરિયાણાના વેપારી જયેશભાઈ બેરા પાસે પહોંચ્યો અને તેમને મળેલી થેલી વિશે જાણ કરી. સંજોગવશાત, જયેશભાઈના બહેન મનિષાબેન બેરા સીટી સી ડિવિઝન પોલીસમાં ફરજ બજાવતા હોવાથી તેમને આ અંગે જાણ કરવામાં આવી. મનિષાબેને ત્વરિત કાર્યવાહી કરતા સાયકલ સવાર ઇસમને જયેશભાઈ સાથે રોકડ ભરેલી થેલી લઈને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પહોંચવા જણાવ્યું. આમ, નેત્રમ પોલીસ અને નાગરિકોના સહયોગથી ગુમ થયેલી ₹6 લાખની રોકડ ગણતરીના કલાકોમાં જ તેના મૂળ માલિકને સુરક્ષિત પરત મળી.
Read Original Article →