રેન્જ IG નિર્લિપ્ત રાયે જામનગર ગ્રામ્ય મથકનું ઇન્સ્પેક્શન કર્યું:કાયદો વ્યવસ્થાની સમીક્ષા કરી, અધિકારીઓને સૂચનાઓ આપી
રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયે જામનગર જિલ્લાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે જામનગર ગ્રામ્ય પોલીસ મથકનું વાર્ષિક નિરીક્ષણ કર્યું હતું અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી. જામનગર પહોંચતા રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયને પોલીસ વિભાગ દ્વારા 'ગાર્ડ ઓફ ઓનર' આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની, ડીવાયએસપી પિયુષ વાંદા, જયવીરસિંહ ઝાલા અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પુષ્પગુચ્છ અર્પણ કરી તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. સ્વાગત બાદ, રેન્જ આઈ.જી. રાયે ગ્રામ્ય પોલીસ મથકની મુલાકાત લીધી હતી. તેમણે પોલીસ સ્ટેશનના વિવિધ રજિસ્ટરો, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, વણઉકેલાયેલા ગુનાઓ અને પોલીસ કર્મચારીઓની કામગીરીની ઝીણવટભરી તપાસ કરી હતી. નિરીક્ષણ દરમિયાન, તેમણે હાજર અધિકારીઓને પડતર કેસોનો ઝડપી નિકાલ કરવા અને પ્રજાલક્ષી પોલીસિંગ પર ભાર મૂકવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી. મુલાકાતના અંતે, આઈ.જી. રાયે પોલીસ જવાનો સાથે સંવાદ કર્યો હતો. તેમણે તેમની કામગીરીને બિરદાવી અને શિસ્તબદ્ધ રીતે ફરજ બજાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
Read Original Article →