જળચર પ્રાણીઓના જીવ પર ખતરો:જામનગરમાં પ્રિ-મોન્સુન કામગીરી સામે ઉઠ્યા સવાલો, કેનાલોમાં ગંદકી યથાવત
જામનગર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ચોમાસા પૂર્વે કરોડો રૂપિયાના ખર્ચે શરૂ કરાયેલી પ્રી-મોનસુન કામગીરી સામે સવાલો ઉભા થયા છે. માત્ર દેખાવ પુરતી જ કામગીરી થતી હોય તેમ કેનાલોમાં ગંદકી એકને એમ છે. જે ચોમાસામાં લાખોટા તળાવમાં આવશે તો જળચર પ્રાણીઓના જીવ પર ખતરો ઉભો થયો છે. શહેરમાં મ્યુ.તંત્ર દ્વારા ચોમાસા પહેલા શહેરમાં પાણી ભરાવવાની સમસ્યા ન સર્જાય તે માટે મુખ્ય વોકળા (નાળા) અને ભૂગર્ભ ગટરોમાંથી પ્લાસ્ટિક, કચરો અને કાંપ દૂર કરવાની કામગીરી કરવામાં આવે છે. તેમાં જામનગર શહેરના મધ્યમાં આવેલા લાખોટા તળાવને પણ ચોમાસામાં ભરવા માટે દરેડ પાસેથી કેનાલ દ્વારા પાણી લાવવામાં આવે છે. તે કેનાલની પણ સફાઈ કરવામાં આવે છે. હાલ શહેરમાં માત્ર કાગળ પર જ પ્રી-મોન્સુન કામગીરી થતી હોય તેવું પ્રતિત થાય છે. કેનાલની શરુઆત થાય છે, તેવા લાલપુર બાયપાસ પાસે જ કેનાલમાં ગંદકી જોવા મળે છે. જેમાં કેમિકલયુક્ત પાણી તેમજ તે પાણી પણ ભરત હોવાથી લીલી છેવાળ જામી ગયો છે. ચોમાસામાં આ તમામ ગંદકીઓ લાખોટા તળાવમાં આવશે, અને તે કેમીકલયુક્ત પાણીના કારણે તળાવના જળચર પ્રાણીઓના મૃત્યુ નિપજે તેવી દહેશત લોકોમાં વ્યાપી ગઈ છે. જેથી લાખો રૂપિયાના ખર્ચે થતી પ્રિ-મોન્સુન કામગીરીમાં માત્ર દેખાવ પુરતી જ કામગીરી થતી હોય, તેવા સવાલો ઉઠી રહ્યા છે. જેથી જામ્યુકો તંત્રના જવાબદાર અધિકારીઓએ પ્રિ-મોન્સુન કામગીરી કાયદેસર કરાવવામાં આવે તેવી શહેરીજનોમાં પણ માંગ ઉઠી રહી છે.
Read Original Article →