પ્રકૃતિનું રક્ષણ:વિકાસની દોડ સાથે પ્રકૃતિનું જતન જામનગરની પર્યાવરણીય જાગૃતિ

Gujarat6/5/2026, 12:00:00 AM
જામનગર ‘બ્રાસ સિટી’ તરીકે વૈશ્વિક સ્તરે દેશની અર્થવ્યવસ્થામાં મહત્વનું યોગદાન આપી રહ્યું છે. પરંતુ સાચો ટકાઉ વિકાસ એ જ છે જ્યાં આર્થિક પ્રગતિ અને પર્યાવરણ વચ્ચે યોગ્ય સંતુલન જળવાય. શહેરમાં આવેલી ભઠ્ઠીઓ, એક્સ્ટ્રુઝન પ્લાન્ટ્સ અને ઇલેક્ટ્રોપ્લેટિંગ યુનિટો હવા-પાણીના પ્રદૂષણ માટે જવાબદાર બની શકે છે. જો કે, રાહતની વાત એ છે કે સ્થાનિક ઉદ્યોગકારોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધી છે. મોટાભાગની ભઠ્ઠીઓ હવે એર પોલ્યુશન કંટ્રોલ સિસ્ટમથી સજ્જ થઈ છે, જે ધાતુની ધૂળનો પુનઃઉપયોગ કરીને પ્રદૂષણ ઘટાડે છે. જામનગર ઇલેક્ટ્રોપ્લેટર્સ એસો. દ્વારા સ્થાપિત ‘કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ’ મારફતે દૈનિક દોઢ લાખ લીટર જેટલું પ્રદૂષિત પાણી શુદ્ધ કરવામાં આવે છે. ઔદ્યોગિક સંગઠનોના વૃક્ષારોપણ અભિયાનો પણ પ્રશંસનીય છે. દરેક ઉનાળે દરેડ GIDC જેવા વિસ્તારોમાં ભૂગર્ભ જળસ્તર નીચા જાય છે. તેના ઉકેલ માટે ઉદ્યોગકારોએ રેઈન વોટર હાર્વેસ્ટિંગ અને બોર રિચાર્જ જેવી પદ્ધતિઓ અપનાવવી અનિવાર્ય છે. વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે આપણે સૌ સંકલ્પ કરીએ કે પ્રકૃતિનું રક્ષણ નિષ્ઠાથી કરીશું. સ્વચ્છ હવા, શુદ્ધ પાણી અને હરિયાળું પર્યાવરણ એ આવનારી પેઢી પ્રત્યેની આપણી સામૂહિક જવાબદારી છે.
Read Original Article →