ભાસ્કર એક્સક્લુસિવ‎:RTOમાં રોજ માત્ર 70 જ સ્લોટ ફાળવાતા ડ્રાઈવિંગ ટેસ્ટમાં 2 માસનું લાંબું વેઈટિંગ, 5 મિનિટમાં જ ફૂલ

Gujarat5/13/2026, 12:00:00 AM
જામનગર આરટીઓમાં ડ્રાઈવીંગ લાયસન્સની એપોઈન્ટમેન્ટ મેળવવા માટે પડતી હાલાકી તે સામાન્ય જનતા માટે એક ગંભીર ચર્ચાનો વિષય બન્યો છે. હાલ ડ્રાઈવીંગ લાયસન્સ કઢાવવું એ લોઢાના ચણા સમાન બની ગયું છે. ઓનલાઈન એપોઈન્ટમેન્ટ સીસ્ટમમાં રહેલી મર્યાદાઓને કારણે અરજદારો ભારે હાલાકી ભોગવે છે. સવારે 8 વાગ્યે ફકત 5 મિનિટમાં જ એપોઈન્ટમેન્ટ ફૂલ થઈ જાય છે. જેના કારણે અનેક લોકોને મહિનાઓ સુધી એપોઈન્ટમેન્ટ મળતી નથી અને લર્નિંગ લાયસન્સ પતી જાય છે. જામનગરમાં ડ્રાઈવીંગ ટેસ્ટ માટે ટ્રેક નથી. જેના કારણે ઈન્સ્પેકટરો ડ્રાઈવીંગની પરીક્ષા લે છે. આ માટેનો 70 લોકોન સ્લોટ જામનગર માટે નક્કી કરવામાં આવ્યો છે. જે સવારે 8 વાગ્યે ઓનલાઈન ખૂલે છે પરંતુ 5 મિનિટની અંદર જ આ સ્લોટ પૂરો થઈ જાય છે. ઘણીવાર તો ખૂલતો પણ નથી. જેના કારણે અરજદારો ભારે મુશ્કેલીમાં મુકાઈ જાય છે. ગામડાના લોકો જેઓ આ કાર્યવાહીથી દૂર છે તેના માટે ભારે મુશ્કેલીઓ સર્જાઈ છે. તેમને સ્લોટ મળતા નથી. આ કારણે મહિનાઓનું વેઈટીંગ થાય છે. અને લર્નિંગ લાયસન્સ પતી જવાનો ભય રહે છે. હાલ વેઈટીંગ પીરીયડ 1થી દોઢ મહિનાનો આવે છે. જેના કારણે લોકોએ હાલાકી ભોગવવી પડે છે. શહેરમાં દિવસે દિવસે વાહનચાલકોની સંખ્યા વધી રહી છે. ત્યારે માત્ર 70 જણાનો આ સ્લોટ પુરો થાય તેમ છે નહી તે માટે તેને વધારવો અત્યંત જરૂરી છે. જે માટે જામનગરની સ્થાનિક નેતાગીરીએ ગાંધીનગર રજૂઆત કરવી પડે તેમ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરમાં હાલ દરરોજ દોઢસોથી વધુ વાહનચાલકો ટેસ્ટ આપવા માટે તૈયાર હોય છે ત્યારે 70નો સોલ્ટ અતિ વામણો લાગે છે. સ્લોટની સમસ્યા ઘટાડવા રજાના દિવસે પણ ટેસ્ટ લેવા જોઈએ હાલ અઠવાડિયામાં પાંચ દિવસ ડ્રાઇવીંગ ટેસ્ટ લેવામાં આવે છે. ખરેખર તો બેકલોગ દૂર કરવા માટે રજાના દિવસે પણ ટેસ્ટ લેવી જોઈએ. સ્લોટની સંખ્યા વધારવા જોઈએ અને બને તો ગાંધીનગરથી સ્લોટની સંખ્યા પણ વધારવામાં આવે તેવી લોકોની માગણી છે. ટ્રેકનું કામ ચાલુ છે, જે બની ગયા બાદ સમસ્યા રહેશે નહીં- આરટીઓ હાલ ગાંધીનગરથી સ્લોટની ફાળવણી થાય છે. જેમાં એક ઈન્સ્પેક્ટરના કલાકો પ્રમાણેની ફાળવણી કરવામાં આવે છે. જામનગરમાં ટ્રેકનું કામ ચાલુ છે જે ટૂ઼ક સમયમાં બની જશે. તે બાદ સ્લોટની સમસ્યા રહેશે નહી અને સ્લોટ પણ વધી જશે. જેના કારણે આ સમસ્યાનું નિરાકરણ થશે. > એ.જે. વ્યાસ , એઆરટીઓ, જામનગર.
Read Original Article →