ભાસ્કર વિશેષ:એક વર્ષ સુધી સોનાની ખરીદી નહી કરવા આપેલી સલાહને હાલારની બહુધા મહિલાઓનો આવકાર

Gujarat5/15/2026, 12:00:00 AM
ભાસ્કર વિશેષ:એક વર્ષ સુધી સોનાની ખરીદી નહી કરવા આપેલી સલાહને હાલારની બહુધા મહિલાઓનો આવકાર
વર્તમાન સમયમાં વૈશ્વિક યુદ્વની સ્થિતિ અને આર્થિક પડકારો વચ્ચે પેટ્રોલિયમ પેદાશોનો વપરાશ ઓછો કરવા તથા સોનામાં બિનજરૂરી ખરીદી રોકવા વડાપ્રધાને દેશવાસીઓને અપીલ કરી છે.તેઓ છેલ્લા બે-ત્રણ દિવસથી દરેક રેલી-જાહેરસભામાં નાગરીકોને પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઓછો કરવા તથા સોનાની ખરીદી એક વર્ષ માટે ટાળવા સહિતની કટોકટીના પગલા ભરવા માટે સલાહ આપી રહયા છે. દિવ્ય ભાસ્કરની ટીમે સોનાની ખરીદી બાબતે જામનગર-દેવભૂમિના સામાજિક મહિલા અગ્રણીઓ અને ગૃહિણીનો સંપર્ક કરી તેઓના મંતવ્ય જાણ્યા હતા.જેમાં બહુધા મહિલાઓએ સોનાની ખરીદી રોકવાથી વિદેશી હુંડીયામણ બચશે એવા મંતવ્ય પણ વ્યકત કર્યા હતા. સામાજિક અગ્રણીઓના મતે સોનાની આયાત પાછળ ખર્ચાતુ અબજો ડોલરનુ વિદેશી હુંડિયામણ જો બેન્કો-ઇન્ફ્રા. ક્ષેત્રમાં વળે તો રૂપિયો મજબુત થશે,જીડીપીને વેગ મળશે.જોકે, આ પગલાથી જવેલરી ક્ષેત્રના કારીગરોની રોજીરોટી પણ અસર પડવાની પણ ભિતિ વ્યકત થઇ રહી છે. નિર્ણય આવકાર્ય, જુના સોનાનો ઉપયોગ કરી નવુ બનાવવું જોઇએ વડાપ્રધાનની અપીલ આવકાર્ય છે, કારણ કે ભારતમાં સોનુ બહાર(આયાત)થી આવે છે જેને કારણે આપણુ નાણું બહાર જઈ રહ્યું છે તેના બદલે આપણી પાસે જે સોનું છે તેને સાચવી રાખવું અથવા જો કંઈ નવું પહેરવું છે તો જુના સોના નો ઉપયોગ કરીને જ નવું બનાવવું જોઈએ. - મીતા દોશી ફાઉન્ડર ઓફ વિઝન ક્લબ ગુજરાતી પરિવારોમાં સોનાનું સવિશેષ સ્થાન, પીએમની વાતનું પણ સન્માન ગુજરાતી પરિવારમાં દીકરીના લગ્નથી લઈ તહેવારો સુધી સોનાનું ખાસ સ્થાન છે. પ્રધાનમંત્રીની વાતનું સન્માન છે, પરંતુ મહિલાઓ માને છે કે જરૂરિયાત-પરંપરા બંનેને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો જોઈએ. હવે ઘણા લોકો સોનાની જગ્યાએ SIP -બીજી બચત યોજનાઓ તરફ પણ વળી રહ્યા છે. - સોનલ વાઘેલા, સામાજિક કાર્યકર, દ્વારકા. આયાત ઘટાડી વિદેશી હુંડીયામણ બચાવવું દેશહિતમાં મોટું પગલું ઇરાન યુદ્વ અને વૈશ્વિક કટોકટીના કારણે ક્રૂડ ઓઇલ ખૂબ મોંઘુ થયુ છે.તેલની આયત દેશ માટે ફરજિયાત છે,જયારે સોનાની આયાત ટાળી શકાય તેમ છે.બિનજરૂરી આયાત ઘટાડીને દેશનુ અબજો ડોલરનુ વિદેશી હુંડીયામણ(ફોરેકસ રીઝર્વ) બચાવવુ એ દેશહિતમાં મોટુ પગલુ છે.સંભવત વર્ષે 6 લાખ કરોડના સોનાની ભારતે આયાત કરે છે,આ આયાત ઘટવાથી ડોલર બહાર જતો અટકશે અને ભારતીય રૂપિયો નબળો પડતો બચશે. - વિજયાબેન બોડા, શિક્ષણવિદ,ધ્રોલ સોનુ કિંમતી, આર્થિક મજબુતી, આત્મનિર્ભરતા વધુ મહત્વપૂર્ણ દેશ હિત માટે જો વડાપ્રધાન દ્વારા એક વર્ષ સુધી સોનું ન ખરીદવા સલાહ આપવામાં આવી હોય, તો જવાબદાર નાગરિક તરીકે તેનું સમર્થન કરવું જોઈએ. સોનું કિંમતી છે,પરંતુ દેશની આર્થિક મજબૂતી, વિકાસ અને આત્મનિર્ભરતા તેનાથી પણ વધુ મહત્વપૂર્ણ છે. ક્યારેક દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે નાના ત્યાગો પણમોટી અસર ઊભી કરે છે. એકતા, વિશ્વાસ અને રાષ્ટ્રપ્રેમની ભાવનાથી જો થોડો સમય ધીરજ રાખી દેશ હિતમાં સહયોગ આપીએ, તો તે દેશને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ બનશે. દેશના હિત માટે આ વિચારનું સમર્થન કરું છું. - સુધાબેન ખંઢેરીયા, શિક્ષણવિદ, ધ્રોલ. આયાત ઘટે તો રૂપિયો મજબુત થાય, અર્થ વ્યવસ્થા બળવાન બને સોનુ તો મહિલાઓ માટે માત્ર આભૂષણ નથી, એ લાગણી-બચત બંને છે. મા-દીકરીનો સંબંધ સોનાના દોરાથી જોડાયેલો છે. જો દેશના હિત માટે પ્રધાનમંત્રી દ્વારા એક વર્ષ સોનુ ન ખરીદવા અપીલ કરે છે, તો જાગૃત નાગરિકે વિચારવું જોઈએ. આયાત ઘટે તો રૂપિયો મજબૂત થાય,અર્થ વ્યવસ્થા બળવાન બને. - ઉષા ગોહિલ, મહિલા અગ્રણી,ઓખા દેશના અર્થતંત્રને મજબુત કરવા સહકાર ઘણી મહિલાઓ વર્ષોથી થોડું થોડું સોનુ ખરીદી બચત કરતી હોય છે. એક વર્ષ રોકાવું સરળ નથી, પણ જો દેશના અર્થતંત્ર મજબૂત કરવા માટે આવી સલાહ આપવામાં આવી હોય તો સામાન્ય લોકો પણ સહકાર આપવા તૈયાર છે. છતાં મધ્યમવર્ગ માટે સોનુ સૌથી વિશ્વાસુ રોકાણ પણ માનવામાં આવે છે. - માયાબેન ચૌહાણ સામાજિક કાર્યકર અગ્રણી. દેશહિતમાં સોનાની ખરીદી ટાળવી જોઇએ દેશમાં બહારથી આયાત થઇ આવતા સોનાની નવી ખરીદી ટાળવાનો નિર્ણય દેશહિતમાં આવકાર્ય છે,દરેક મહિલાઓએ આનુ અનુકરણ કરવુ જોઇએ.એક વર્ષ માટે તો ચોકકસ નવી ખરીદી ટાળવી જ જોઇએ. - મૌસમીબેન કનખરા, જામનગર.
Read Original Article →