લાલપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી:ચિઠ્ઠી ઉછાળતા ભાજપના દિવ્યાબા જાડેજા પ્રમુખ તરીકે વિજેતા, ભાવનાબેન વસરા ઉપપ્રમુખ બન્યા

Gujarat5/23/2026, 9:39:53 AM
લાલપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી:ચિઠ્ઠી ઉછાળતા ભાજપના દિવ્યાબા જાડેજા પ્રમુખ તરીકે વિજેતા, ભાવનાબેન વસરા ઉપપ્રમુખ બન્યા
જામનગર જિલ્લાની લાલપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં આવેલા દિવ્યાબા અજયસિંહ જાડેજા પ્રમુખ તરીકે ચૂંટાયા છે. જ્યારે આમ આદમી પાર્ટીના ભાવનાબેન વસરા ઉપપ્રમુખ બન્યા છે. લાલપુર તાલુકા પંચાયતની કુલ 18 બેઠકોમાંથી આમ આદમી પાર્ટીએ 10, ભાજપે 6, કોંગ્રેસે 1 અને 1 અપક્ષ ઉમેદવારોએ વિજય મેળવ્યો હતો. આ પરિણામોને કારણે સત્તા રચનાને લઈને રાજકીય ગૂંચવણ ઊભી થઈ હતી. આ રાજકીય ગતિવિધિઓ વચ્ચે, આમ આદમી પાર્ટીના દિવ્યાબા અજયસિંહ જાડેજા સહિત બે સભ્યો ભાજપમાં જોડાયા હતા. જેથી ભાજપને અપક્ષ સહિત કુલ 9 સભ્યોનું સમર્થન મળ્યું હતું. જે બાદ લાલપુર તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે દિવ્યાબા જાડેજાએ ભાજપ તરફથી તેમજ આમ આદમી પાર્ટી તરફથી દેવાભાઈ કરંગીયાએ પ્રમુખ પદનું ફોર્મ ભર્યું હતું. ત્યારબાદ બંને વચ્ચે ચિઠ્ઠી ઉછાળવામાં આવી હતી. જેમાં દિવ્યાબા જાડેજા પ્રમુખ તરીકે વિજેતા જાહેર થયા હતા. ચૂંટણીના પરિણામો બાદ તાલુકા પંચાયત કચેરી ખાતે સમર્થકો અને કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. વિજેતા ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. પ્રમુખ તરીકે વરણી થયા બાદ દિવ્યાબા જાડેજાએ તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરી, તાલુકાના વિકાસ માટે સૌને સાથે લઈને કાર્ય કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
Read Original Article →