કાલાવડમાં લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ:રાત્રે શોર્ટ સર્કિટથી લાગી, ટુ-વ્હીલરની પેટ્રોલ ટાંકી ફાટતાં વધુ પ્રસરી, ફાયરે 3 કલાકમાં બુઝાવી
જામનગર જિલ્લાના કાલાવડના સિનેમા રોડ પર આવેલા ગિરધર વડગામાના લાકડાના ગોડાઉનમાં ગઈકાલે મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. પ્રાથમિક તપાસ મુજબ, આ આગ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. આગ લાગ્યા બાદ ગોડાઉનમાં રાખેલા એક ટુ-વ્હીલરની પેટ્રોલ ટાંકી ફાટતાં આગ વધુ ઝડપથી પ્રસરી હતી. જેના કારણે લાકડાના બેન્ચ અને અન્ય સામાન સહિત બાઈક પણ બળીને ખાખ થઈ ગયું હતું. ઘટના અંગે ગિરધરભાઈ દ્વારા કાલાવડ ફાયર શાખાને જાણ કરવામાં આવી હતી. કાલાવડ ફાયર શાખાના 9 જવાનો બે ફાયર ફાઈટર સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ સતત ત્રણ કલાકની જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. સમયસર કાર્યવાહી થતાં આસપાસના વિસ્તારોમાં આગ પ્રસરતી અટકી હતી અને મોટી દુર્ઘટના ટળી હતી.
Read Original Article →