જામનગરમાં 4 જૂને ખગોળીય ઘટના જોવા મળશે:બપોરે 12.48 વાગ્યે પડછાયો અદૃશ્ય થશે, ઘટનાનું પ્રત્યક્ષ નિદર્શન પ્રદર્શન મેદાનમાં યોજાશે

Gujarat6/3/2026, 10:08:53 AM
જામનગરમાં 4 જૂને ખગોળીય ઘટના જોવા મળશે:બપોરે 12.48 વાગ્યે પડછાયો અદૃશ્ય થશે, ઘટનાનું પ્રત્યક્ષ નિદર્શન પ્રદર્શન મેદાનમાં યોજાશે
જામનગરમાં 4 જૂને બપોરે 12.48 વાગ્યે 'ઝીરો શેડો ડે'ની અનોખી ખગોળીય ઘટના જોવા મળશે. આ દિવસે સૂર્ય બરાબર માથા પર આવતા થોડી ક્ષણો માટે વસ્તુઓનો પડછાયો અદૃશ્ય થઈ જશે. આ ઘટનાનું પ્રત્યક્ષ નિદર્શન જામનગરના પ્રદર્શન મેદાનમાં યોજાશે. ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત શ્રી એમ.ડી. મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્દ્ર ધ્રોલ, ખગોળ મંડળ - જામનગર અને રંગતાલી ગ્રુપ દ્વારા આ કાર્યક્રમનું સંયુક્ત આયોજન કરવામાં આવ્યું છે. આમંત્રિત મહેમાનો અને ખગોળપ્રેમી નગરજનો માટે નિદર્શનની વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ખગોળીય દ્રષ્ટિએ, 'ઝીરો શેડો ડે' એટલે જ્યારે સૂર્ય બરાબર માથા ઉપર આવે અને અમુક ક્ષણો માટે વસ્તુઓનો પડછાયો અદૃશ્ય થઈ જાય. પૃથ્વી સૂર્યની આસપાસ 23.5 ડિગ્રીના ઝુકાવ પર પ્રદક્ષિણા કરે છે, જેના કારણે સૂર્ય કર્કવૃત અને મકરવૃત વચ્ચેના ભાગમાં આવે છે. વર્ષમાં બે વખત આવી ઘટના સર્જાઈ છે. આ નિદર્શન કાર્યક્રમ જામનગરના પ્રથમ નાગરિક મોનિકાબેન વ્યાસની અધ્યક્ષતામાં યોજાશે. જેમાં ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા, જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, શહેરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, જિલ્લા કલેકટર પી.બી. પંડ્યા, મનપા કમિશનર દીપેશ કેડીયા અને જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનિ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં જામનગર શહેર ભાજપના અધ્યક્ષ બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનભાઈ મોનાણી, શાસક જૂથના નેતા અમર મોદી અને શહેર ભાજપના દંડક પ્રવીણાબેન રૂપડિયા પણ હાજર રહેશે. એમ.ડી. મહેતા વિજ્ઞાન કેન્દ્ર - ધ્રોલના ડો. સંજય પંડ્યા અને ખગોળ મંડળ જામનગરના શ્રી કિરીટ શાહ દ્વારા લાઈવ મોડેલ ડેમોન્સ્ટ્રેશન અને ખગોળીય માહિતી પૂરી પાડવામાં આવશે.
Read Original Article →