જાંબુડા પાટિયા પાસે યુવાન પર છરી વડે હુમલો, CCTV:અગાઉની અદાવતમાં સમાધાન કરવા જતાં બે શખ્સોએ માર માર્યો, પોલીસે તપાસ હાથ ધરી
જામનગર-રાજકોટ હાઈવે પર જાંબુડા પાટિયા નજીક સિદ્ધનાથ હોટલના પાર્કિંગમાં એક યુવાન પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને તેના ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસ તંત્ર સક્રિય બન્યું હતું. હુમલામાં ઈજાગ્રસ્ત ચંદ્રસિંહ ઉર્ફે લાલો સુખદેવસિંહ જાડેજાને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. પંચકોષી એ પોલીસ સ્ટેશનમાં બે શખ્સો સામે ગુનો નોંધાયો છે. ફરિયાદી ચંદ્રસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર, તેમના સંબંધીને ફોન પર થયેલી બોલાચાલીના સમાધાન માટે તેઓ હોટલના પાર્કિંગમાં પહોંચ્યા હતા. ત્યાં કિશન મકવાણા અને ઉત્તમ તન્ના નામના બે શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો. આરોપી કિશન મકવાણાએ અપશબ્દો બોલી છરી વડે ચંદ્રસિંહના માથામાં હુમલો કર્યો હતો, જ્યારે ઉત્તમ તન્નાએ પણ માર માર્યો હતો. આ હુમલામાં ચંદ્રસિંહને માથામાં નવ ટાંકા લેવા પડ્યા હતા. સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં જ પોલીસ તુરંત હરકતમાં આવી હતી અને ઈજાગ્રસ્ત યુવાનની ફરિયાદ નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. પોલીસે આ ઘટના અંગે કિશન મકવાણા અને ઉત્તમ તન્ના વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Read Original Article →