જામનગરમાં CA સ્ટુડન્ટની 9મા માળથી મોતની છલાંગ:શાલિગ્રામ એપાર્ટમેન્ટમાં લિફ્ટથી ઉપર ગઈ, ડિપ્રેશનમાં પગલું ભર્યાની આશંકા, પરિવાર કેદારનાથ જવાનો હતો

Gujarat5/20/2026, 5:30:37 AM
જામનગરમાં CA સ્ટુડન્ટની 9મા માળથી મોતની છલાંગ:શાલિગ્રામ એપાર્ટમેન્ટમાં લિફ્ટથી ઉપર ગઈ, ડિપ્રેશનમાં પગલું ભર્યાની આશંકા, પરિવાર કેદારનાથ જવાનો હતો
જામનગર શહેરના પંચેશ્વર ટાવર નજીક, ગોવાળ મસ્જિદ સામે આવેલા શાલિગ્રામ એપાર્ટમેન્ટમાં આજે સવારે એક યુવતીએ 9મા માળેથી પડતું મૂકીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. શરૂઆતમાં અજાણી ગણાતી આ મહિલાની ઓળખ બાદમાં પોલીસ તપાસમાં થઈ ગઈ છે, જે સીએ (CA)નો અભ્યાસ કરતી આશાસ્પદ યુવતી હોવાનું સામે આવ્યું છે. તે એપાર્ટમેન્ટની લિફ્ટથી ઉપર ગઈ હતી અને મોતની છલાંગ લગાવી હતી. પરિવાર કેદારનાથ જવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે દીકરીએ આત્યંતિક પગલું ભરી લેતા પરિવાર શોકાતૂર છે. કેવી રીતે બનાવ બન્યો? પ્રાથમિક વિગતો અનુસાર, આજે સવારે અંદાજે 9:00 વાગ્યાની આસપાસ આ યુવતી શાલિગ્રામ એપાર્ટમેન્ટમાં પ્રવેશી હતી. તે લિફ્ટ મારફતે સીધી 9મા માળે પહોંચી હતી, જ્યાંથી તેણે નીચે છલાંગ લગાવી દીધી હતી. યુવતી લિફ્ટમાં જતી હોવાના સીસીટીવી ફૂટેજ પણ પોલીસને પ્રાપ્ત થયા છે, જેના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી હતી. ઘટનાસ્થળે જ નીપજ્યું મોત 9મા માળેથી પટકાવાને કારણે યુવતીને ગંભીર ઈજાઓ થઈ હતી અને ભારે રક્તસ્ત્રાવ થવાને લીધે તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવને પગલે એકઠા થયેલા સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને જાણ કરી હતી. જોકે, 108ની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા યુવતીને મૃત જાહેર કરી હતી. ડિપ્રેશનની આશંકા ઘટનાની જાણ થતાં જ સિટી ‘એ’ ડિવિઝન પોલીસનો કાફલો તાકીદે ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહનો કબજો સંભાળીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસની સઘન તપાસ અને સીસીટીવી ફૂટેજના આધારે મૃતક યુવતીની ઓળખ દ્રષ્ટિ જતીનભાઈ પારેખ (ઉંમર વર્ષ 22) તરીકે થઈ છે. તેણી કલ્યાણીના ચોક પાસે, ઝવેરીની ડેલી વિસ્તારમાં રહેતી હતી અને સીએ (CA)નો અભ્યાસ કરતી હતી. પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે, યુવતી વ્યક્તિગત કારણોસર ભારે ડિપ્રેશનમાં (તણાવમાં) આવી ગઈ હોવાથી તેણે આ અંતિમ પગલું ભરી લીધું હોવાની આશંકા છે. પરિવાર કેદારનાથની યાત્રાએ જવાનો હતો મૃતક દ્રષ્ટિના પિતા સોની કામની દુકાન ધરાવે છે. તેના પરિવારમાં માતા-પિતા, ભાઈ-બહેન અને દાદીમા સહિત પાંચ સભ્યો રહે છે. આ હસતો-રમતો પરિવાર તાજેતરમાં જ કેદારનાથની ધાર્મિક યાત્રાએ જવાની તૈયારી કરી રહ્યો હતો, પરંતુ તે પહેલાં જ પુત્રીએ મોતની છલાંગ લગાવી દેતા સમગ્ર સોની પરિવાર અને ઝવેરી બજાર વિસ્તાર સ્તબ્ધ બની ગયો છે. આ મામલે સિટી ‘એ’ ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →