જામનગરમાં યુવતી હત્યા કેસમાં કોર્ટનો મહત્વનો ચુકાદો:કોર્ટે આરોપીને આજીવન કેદ સાથે ₹15,000 દંડ ફટકાર્યો
જામનગરના લાલપુર તાલુકાના નાની રાફુદળ ગામે વર્ષ 2023માં બનેલી યુવતીની હત્યાના ચકચારી કેસમાં જામનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. અદાલતે આરોપી ભાવેશ રણછોડભાઈ સોનગરાને કસૂરવાર ઠેરવી આજીવન સખત કેદની સજા અને રૂપિયા 15,000નો દંડ ફટકાર્યો છે. બનાવની વિગત મુજબ, ફરિયાદી મનસુખભાઈ કણજારીયાની પુત્રી અને આરોપી ભાવેશ સોનગરા એક જ કારખાનામાં કામ કરતા હોવાથી બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો. ગત તા. 5 એપ્રિલ, 2023ના રોજ આરોપી યુવતીને નાની રાફુદળની સીમમાં લઈ ગયો હતો. ત્યાં આરોપીએ યુવતીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. તેણે યુવતીને ધમકાવીને ત્રણ ઓડિયો ક્લિપ્સ રેકોર્ડ કરી હતી, જે બાદમાં તેના પિતાને મોકલી આપી હતી. ચારિત્ર્ય પર શંકા રાખી આરોપી ભાવેશે યુવતીને માથાના ભાગે પથ્થર અને ગળાના ભાગે છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. આ કેસમાં કોઈ પ્રત્યક્ષ સાક્ષી ન હોવા છતાં, સરકારી વકીલ દીપક આર. ત્રિવેદીની ધારદાર દલીલો અને મજબૂત વૈજ્ઞાનિક પુરાવાઓએ આરોપીને કસૂરવાર સાબિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કોર્ટમાં રજૂ કરાયેલા પુરાવાઓમાં દસ્તાવેજી પુરાવા તરીકે ઘટનાસ્થળેથી આરોપીની માર્કશીટ, જન્મનો દાખલો અને ઓળખના દસ્તાવેજો મળી આવ્યા હતા. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ના વૈજ્ઞાનિક પુરાવા મુજબ, આરોપીના લોહીવાળા કપડાં પર મળેલા નમૂના મૃતક યુવતીના લોહી સાથે મેચ થયા હતા. વધુમાં, ટેકનિકલ પુરાવા તરીકે આરોપીનું મોબાઈલ લોકેશન બનાવ સ્થળે મળી આવ્યું હતું, તેમજ મોબાઈલ કોલ ડિટેલ્સ અને ઓડિયો ક્લિપ્સ પણ મહત્વના પુરાવા સાબિત થયા હતા. સંજોગોપાત પુરાવા તરીકે સાક્ષીઓના નિવેદનો દ્વારા આરોપી અને મૃતકને છેલ્લે સાથે જોયા હોવાનું સાબિત થયું હતું. જામનગરના એડિશનલ સેશન્સ જજની કોર્ટે તમામ પુરાવા અને સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓને ધ્યાને રાખી, ભારતીય દંડ સંહિતા (IPC) કલમ 302 હેઠળ આરોપીને આજીવન સખત કેદ અને રૂપિયા 15,000નો દંડ ફટકારતો હુકમ કર્યો છે. અદાલતે એ પણ નોંધ્યું છે કે જો આરોપી દંડ ન ભરે તો તેને વધુ સજા ભોગવવી પડશે.
Read Original Article →