રણજીતસાગર રોડ પર પાણીની લાઇનનો વાલ્વ તૂટ્યો:હજારો ગેલન પાણી વેડફાયું, બાળકોએ નાહવાનો આનંદ લીધો

Gujarat5/15/2026, 5:55:34 AM
રણજીતસાગર રોડ પર પાણીની લાઇનનો વાલ્વ તૂટ્યો:હજારો ગેલન પાણી વેડફાયું, બાળકોએ નાહવાનો આનંદ લીધો
જામનગરના રણજીતસાગર રોડ પર આવેલા મારુ કંસારા હોલ નજીક મુખ્ય પાણીની પાઇપલાઇનનો વાલ્વ તૂટ્યો હતો. આ ઘટનાને કારણે ભારે દબાણ સાથે પાણીના ફુવારા ઉડ્યા હતા અને લાંબા સમય સુધી હજારો ગેલન પીવાનું પાણી રસ્તા પર વહી ગયું હતું. આ પાઇપલાઇન શહેરના અનેક વિસ્તારોમાં પીવાનું પાણી પૂરું પાડતી મહત્વની લાઇન હોવાનું જાણવા મળ્યું છે. વાલ્વ તૂટતાં પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ ગયું હતું, જેનાથી વરસાદ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઉનાળાની કડકડતી ગરમી વચ્ચે, પાણીના ઊંચા ફુવારા ઉડતા જોઈને કેટલાક બાળકો ઘટનાસ્થળે એકઠા થયા હતા. તેમણે આ પાણીના ફુવારા નીચે ઊભા રહીને સ્નાનનો આનંદ માણ્યો હતો. કેટલાક લોકોએ આ ઘટનાના વીડિયો પણ ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા. એક તરફ શહેરના અનેક વિસ્તારોમાં પાણીની અછતની ફરિયાદો ઉઠી રહી છે, ત્યારે બીજી તરફ હજારો ગેલન પીવાનું પાણી આમ બેફામ રીતે વેડફાતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. લોકોએ મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ઘટનાની જાણ થતાં મોડેથી મહાનગરપાલિકાની ટીમ સ્થળ પર પહોંચી હતી. ટીમે તૂટેલા વાલ્વને રિપેર કરવાની કામગીરી હાથ ધરી હતી, પરંતુ ત્યાં સુધીમાં મોટી માત્રામાં પાણી વેડફાઈ ચૂક્યું હતું.
Read Original Article →