સાંસદ અને રાજ્યમંત્રીના વોર્ડની શું છે સ્થિતિ?:પાયાની સુવિધાઓથી ક્યાંક સંતોષ, તો ક્યાંક ખાડા અને ટ્રાફિકની સમસ્યાથી રોષ; નેતાઓના વિસ્તારમાં જનતાનો મિશ્ર પ્રતિભાવ
જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પહેલાં વોર્ડ નંબર 5 ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ વોર્ડમાં રાજ્યમંત્રી રિવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ અને શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી જેવા દિગ્ગજ નેતાઓના નિવાસસ્થાન આવેલા છે. ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમે અહિંના મતદારોનો મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં અહિના મતદારો પાયાની સુવિધાઓથી ક્યાંક સંતોષ વ્યક્ત કરી રહ્યા છે તો કેટલાક મતદારોમાં ખાડા અને ટ્રાફિકની સમસ્યાથી રોષ પણ જોવા મળ્યો હતો. નેતાઓના આ વિસ્તારમાં જનતાનો મિશ્ર પ્રતિભાવ જોવા મળ્યો હતો. ‘પાણી, લાઈટ અને મહિલા સુરક્ષા જેવી તમામ સુવિધાઓ છે’
વોર્ડ નંબર-5ની અવનીબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, અમારા વોર્ડમાં સમસ્યાઓ બિલકુલ નહિવત છે. પાણી, લાઈટ અને મહિલા સુરક્ષા જેવી તમામ પાયાની સુવિધાઓ સરકાર દ્વારા ખૂબ જ સારી રીતે પૂરી પાડવામાં આવે છે. ખાસ કરીને મહિલાઓ માટે સરકારની યોજનાઓ ખૂબ જ લાભદાયી છે, જેના કારણે દીકરીઓ અને મહિલાઓ ઉદ્યોગ અને નોકરીના ક્ષેત્રમાં આગળ વધી રહી છે. ‘નવી પાઈપલાઈન નંખાતા પૂરતું પાણી મળી રહે છે’
વધુમાં જણાવ્યું કે, અગાઉ પાણીની સમસ્યા રહેતી હતી અને બે-ત્રણ દિવસે પાણી આવતું હતું, પરંતુ હવે નવી પાઈપલાઈન નંખાતા રોજ સમયસર અને પૂરતું પાણી મળી રહે છે. આ ઉપરાંત યોગ કેન્દ્રો, સ્વાસ્થ્ય અને આંગણવાડીની સુવિધાઓ પણ અમારા વોર્ડમાં ખૂબ જ પ્રશંસનીય છે. વોર્ડ 5માં ટ્રાફિક બાબતે કંચનસિંહે જણાવ્યું હતું કે, કંચનસિંહે જણાવ્યું હતું કે, પહેલા ટ્રાફિકની ગંભીર સમસ્યાઓ રહેતી હતી, જેના કારણે બસ કે ટ્રેન પકડવામાં મુશ્કેલી પડતી હતી. પરંતુ હવે શહેરમાં અનેક નવા ઓવરબ્રિજ બની ગયા છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યામાં મોટો સુધારો આવ્યો છે. હવે ગમે તે સમયે નીકળીએ તો પણ ટ્રાફિકને કારણે મોડું થતું નથી, જે જામનગરના લોકો માટે મોટી રાહત છે. ‘રોડ-રસ્તાની હાલત અત્યંત ખરાબ છે’
તો બીજી તરફ વોર્ડ નંબર 5ના રહેવાસી રામદેવ ભાઈ ઓડેદરાએ ટ્રાફિકની ગંભીર સમસ્યા હોવાનું જણાવ્યું હતું. તેઓએ કહ્યું કે, વોર્ડ નંબર 5માં ટ્રાફિક ઉપરાંત રોડ-રસ્તાની હાલત પણ અત્યંત ખરાબ છે, જેના કારણે પાણી ભરાવાની સમસ્યાઓ વારંવાર સર્જાય છે. તમે અહીં જોઈ શકો છો કે રસ્તા પર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે, જેનો છેલ્લા 5 વર્ષથી કોઈ જ ઉકેલ લાવવામાં આવ્યો નથી. ‘લારી-ગલ્લાઓનો ખડકલો જોવા મળે છે’
વધુમાં જણાવ્યું કે, જામનગરમાં મચ્છરોનો સૌથી વધુ ઉપદ્રવ હોય તો તે નીલકમલ ચોકડી પાસે છે, જ્યાં બાંધકામ દરમિયાન થયેલા ખાડાઓમાં પાણી ભરાઈ રહેવાને કારણે મચ્છરોનો ભારે ત્રાસ છે. આ બાબતે તંત્ર દ્વારા હજુ સુધી કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. વધુમાં, માર્કેટ નવી જગ્યાએ શિફ્ટ થઈ હોવા છતાં અહીં લારી-ગલ્લાઓનો ખડકલો જોવા મળે છે, જેને કારણે ટ્રાફિકની સમસ્યા વણસી રહી છે. ખરાબ રસ્તા, ખાડાઓ અને પાણી ભરાવાની આ સમસ્યાઓથી વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ‘મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો’
મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના વોર્ડ નંબર 5માં રહેતા મનીષાબેન મહેતાએ સ્વચ્છતા અને મહિલા ઉત્કર્ષની યોજનાઓ અંગે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. મનીષાબેને જણાવ્યું હતું કે, પહેલાના સમયમાં કચરાના ઢગલાઓ અને ડસ્ટબિનની સમસ્યાઓ રહેતી હતી, પરંતુ હવે સ્થિતિમાં મોટો સુધારો આવ્યો છે. હવે નિયમિતપણે ડોર-ટુ-ડોર કચરા સંગ્રહની ગાડી આવે છે. સંગીતના માધ્યમથી ગાડીના આગમનની જાણ થતા જ લોકો પોતપોતાના ઘર કે પાર્કિંગમાંથી કચરો આપી શકે છે, જેનાથી વિસ્તારમાં ખૂબ જ સરસ ચોખ્ખાઈ જળવાઈ રહી છે. પ્રીતિબેન દ્વારા જણાવ્યું હતું કે, આરોગ્ય માટે અહીંયા ઓક્સિજન પાર્ક બનાવવાની મંજૂરી મળી ગઈ છે જે ટૂંક સમયમાં ચાલુ થઈ જવાની છે. મોટી ઉંમરના લોકોને બહુ જ સરસ પાર્ક મળશે, જેમાં એ લોકો બહુ જ સારી રીતે વોક કરી શકશે. બધું જ એમને સારું ઓક્સિજન મળે તો એમનું સ્વાસ્થ્ય સારું રહેશે. વધુમાં જણાવ્યું કે, મહાનગરપાલિકા પાસે અમારી માંગણી તો બહુ જ ઓછી છે કારણ કે બધી માંગણી પૂરી કરી દીધી છે, છતાં પણ કંઈક રહેશે તો એ અમને એટલો કોન્ફિડન્સ છે કે મનપા અમારી માંગણી પૂરી કરશે જ. ‘અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં’
વોર્ડ નંબર 5ના યુવાન ઉત્સવ પંડ્યાએ જણાવ્યું કે, વોર્ડ નં. 5માં બિસ્માર રસ્તાઓ અને ખાડાઓથી લોકો પરેશાન છે. અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં હોવાથી અંધારપટ જોવા મળે છે. ચોમાસા દરમિયાન ગટરો ઉભરાવાની ગંભીર સમસ્યાનું કાયમી નિરાકરણ જરૂરી છે. અમારી અપેક્ષા માત્ર એટલી જ છે કે જે પણ ઉમેદવાર જીતે, તે જામનગરની જનતાને પાયાની સુવિધાઓ જેવી કે સારા રસ્તા, લાઈટ અને ડ્રેનેજ સિસ્ટમ પૂરી પાડે. સ્થાનિક યુવાને જણાવ્યું કે, વોર્ડમાં કામ ઘણા સારા જ થયા છે અમે ઈચ્છીએ છીએ કે લોકોની વચ્ચે રહે એવા ઉમેદવાર ખાસ કરીને સ્થાનિક ઉમેદવાર મળે જેથી લોકોના પ્રશ્નો વધારે હલ થાય. મેન રોડ પર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. વોર્ડ નંબર 5માં આંકડાકીય વિગત મુજબ, કુલ 22,646 મતદારો છે, જેમાં 11,800 પુરુષ મતદારો અને 10,846 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. આગામી ચૂંટણીમાં કેટલાક મુખ્ય પ્રશ્નો નિર્ણાયક ભૂમિકા ભજવશે. તેમાં આંતરિક રસ્તાઓનું નવીનીકરણ અને ખાડા મુક્ત રસ્તાની માંગ, ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાનું કાયમી નિરાકરણ કરતી ડ્રેનેજ સિસ્ટમ, તેમજ આરોગ્ય અને મચ્છર નિયંત્રણ દ્વારા સ્વચ્છતાની જાળવણીનો સમાવેશ થાય છે.
Read Original Article →