ચારણ નેસ ચેલા-2 માં પાણીની ગંભીર કટોકટી:દૂષિત પાણી અને અનિયમિત પુરવઠાથી ગ્રામજનોમાં રોષ, જિલ્લા પંચાયત કચેરીએ આવેદન પાઠવ્યું
જામનગર તાલુકાના દરેડ નજીક આવેલા ચારણ નેસ ચેલા-2 વિસ્તારના રહીશો પાણીની ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યા છે. છેલ્લા ચારથી પાંચ દિવસથી પાણી ન મળવા અને દૂષિત પાણીના પુરવઠાને કારણે રોષે ભરાયેલા ગ્રામજનોએ જિલ્લા પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, પાણીનો પુરવઠો અનિયમિત છે અને તેનું કોઈ ચોક્કસ સમયપત્રક નથી. જ્યારે પાણી આવે છે ત્યારે પણ તે પૂરતા પ્રમાણમાં મળતું નથી, જેના કારણે લોકોને પાણીનો સંગ્રહ કરવામાં કે તેનો યોગ્ય ઉપયોગ કરવામાં મુશ્કેલી પડે છે. પાણીની અનિયમિતતા ઉપરાંત, જે પાણી આવે છે તે અત્યંત ડોળું, ગંદું અને વાસ મારતું હોય છે. આ દૂષિત પાણી પીવાલાયક ન હોવાથી વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય સેવાઈ રહ્યો છે. ગ્રામજનોએ આ ગંદા પાણીના નમૂના પણ લીધા છે અને અધિકારીઓ સમક્ષ રજૂ કર્યા છે. ગ્રામજનોએ સ્થાનિક સરપંચ અને પાણી છોડનારા કર્મચારીઓ પર વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરવાનો આરોપ મૂક્યો છે. તેમના મતે, જવાબદાર વ્યક્તિઓ 'પાણી છોડીએ છીએ' તેવા ખોટા દાવા કરીને પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે, જ્યારે વાસ્તવમાં લોકોના ઘરો સુધી પાણી પહોંચતું નથી. ચારણ નેસ ચેલા-2 ના ચોક્કસ વિસ્તારમાં 1700 થી 1800 લોકો વસે છે, જ્યારે સમગ્ર ચારણ નેસ ચેલા ગામની વસ્તી 3500 થી 4000 જેટલી છે. આટલી મોટી વસ્તી લાંબા સમયથી પીવાના પાણી જેવા પ્રાથમિક હક માટે પરેશાન થઈ રહી છે. જિલ્લા પંચાયતના અધિકારીઓને આવેદનપત્ર પાઠવીને રહીશોએ માંગ કરી છે કે, ગામને વહેલી તકે નિયમિત, પૂરતા પ્રમાણમાં અને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં આવે. જો આ માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં ગ્રામજનો દ્વારા વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
Read Original Article →