જામનગરમાં 14 સ્થળોએ 'વન કવચ' વિકસાવાયા:15.5 હેક્ટરમાં ₹381.25 લાખના ખર્ચે વન વિભાગની પહેલ
“વન કવચ” ગુજરાત સરકારની મહત્વાકાંક્ષી પર્યાવરણલક્ષી યોજના છે. તેનો મુખ્ય હેતુ રાજ્યમાં હરિયાળું આવરણ વધારવું, જૈવવિવિધતાનું સંરક્ષણ કરવું અને આબોહવા પરિવર્તનની અસરો સામે કુદરતી સુરક્ષા કવચ ઊભું કરવાનો છે. આ યોજના હેઠળ મિયાવાકી સહિતની આધુનિક પદ્ધતિઓ દ્વારા ઓછી જગ્યામાં વધુ ગીચ અને ઝડપથી વિકસતા વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે. વન કવચમાં સ્થાનિક પ્રજાતિના વૃક્ષોનું વાવેતર થાય છે, જે પક્ષીઓ, જીવજંતુઓ અને અન્ય વન્યજીવો માટે અનુકૂળ નિવાસસ્થાન પૂરું પાડે છે. આ ઉપરાંત, તે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે, ઓક્સિજનનું પ્રમાણ વધારે છે, ધૂળ અને પ્રદૂષણ ઘટાડે છે તેમજ ભૂગર્ભ જળ સંરક્ષણમાં પણ મદદરૂપ થાય છે. ગુજરાત સરકાર શહેરો, ગામો, જાહેર સ્થળો અને ખાલી સરકારી જમીનો પર વન કવચ વિકસાવી હરિયાળા ગુજરાતના નિર્માણ માટે પ્રયાસરત છે. આ એક માત્ર વૃક્ષારોપણ કાર્યક્રમ નથી, પરંતુ પર્યાવરણ સુરક્ષા અને ભાવિ પેઢી માટે સ્વચ્છ, હરિયાળું અને સ્વસ્થ જીવન સુનિશ્ચિત કરવાની દીર્ઘદ્રષ્ટિપૂર્ણ પહેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ગુજરાતને વધુ હરિયાળું બનાવવાના હેતુથી, જાપાની વનસ્પતિશાસ્ત્રી અકીરા મિયાવાકીની વનીકરણ પદ્ધતિને આધારે ગુજરાત વન વિભાગ દ્વારા વન કવચ પદ્ધતિ વિકસાવવામાં આવી છે. આ પદ્ધતિ મુખ્યત્વે શહેરી અને અન્ય પડતર જમીનોમાં ઝડપથી નાનું વન બનાવવાની છે, જેમાં નાનકડી જગ્યામાં પણ ઘનિષ્ઠ વાવેતર કરી શકાય છે. જામનગર જિલ્લામાં વન વિભાગ દ્વારા કુલ 14 સ્થળોએ 15.5 હેક્ટર વિસ્તારમાં આશરે ₹381.25 લાખના ખર્ચે વન કવચ વિકસાવવામાં આવ્યા છે. જામનગર તાલુકામાં ગણપતિ મંદિર, સપડા ખાતે 1 હેક્ટર વિસ્તારમાં ₹25 લાખના ખર્ચે વન કવચ તૈયાર કરાયું છે. હાપા માર્કેટ યાર્ડ, ઝાડા ટી.પી. સ્કીમ નં.1ના પ્લોટ નં.98 ખાતે 1 હેક્ટર વિસ્તારમાં ₹25 લાખ, પ્લોટ નં.93 ખાતે 0.5 હેક્ટર વિસ્તારમાં ₹12.5 લાખ અને પ્લોટ નં.82 ખાતે 0.5 હેક્ટર વિસ્તારમાં ₹12.5 લાખના ખર્ચે વન કવચ વિકસાવાયા છે. લાલપુર તાલુકામાં લાલપુર ખાતે 0.5 હેક્ટર વિસ્તારમાં ₹12.5 લાખના ખર્ચે અને જોગવડ ગામે 0.25 હેક્ટર વિસ્તારમાં ₹6.3 લાખના ખર્ચે વન કવચનું નિર્માણ થયું છે. જામજોધપુર તાલુકામાં સોનવાડિયા ખાતે 2 હેક્ટર વિસ્તારમાં ₹50 લાખ, દલદેવડીયા ખાતે 1.5 હેક્ટર વિસ્તારમાં ₹37.5 લાખ, પાટણ ખાતે 1 હેક્ટર વિસ્તારમાં ₹25 લાખ અને વસંતપુર ખાતે 1.5 હેક્ટર વિસ્તારમાં ₹37.5 લાખના ખર્ચે વન કવચનું નિર્માણ કરવામાં આવ્યું છે.
Read Original Article →