જામનગરની ઠેબા ચોકડી પાસે ગંભીર અકસ્માત:ટ્રક ચાલકે બેદરકારીપૂર્વક પાંચથી વધુ વાહનો હડફેટે લીધા, એક ઘાયલ
જામનગર શહેરની ઠેબા ચોકડી પાસે ગઈ મોડી રાત્રે એક ગંભીર સિરિયલ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતા એક ટ્રકે પાંચથી વધુ વાહનોને હડફેટે લીધા હતા, જેમાં એક બાઇક ચાલક ઘાયલ થયો હતો. આ ઘટના ઠેબા ચોકડી નજીક બારાડી પેટ્રોલ પંપ પાસે બની હતી. ટ્રક ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવીને અન્ય વાહનોને ટક્કર મારી હતી, જેના કારણે ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા મોટરસાયકલ ચાલકને તાત્કાલિક સારવાર માટે સરકારી જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતને કારણે ઠેબા ચોકડી વિસ્તારમાં લાંબા સમય સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો, જેનાથી વાહનચાલકો અટવાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સિટી-એ ડિવિઝન પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી. પ્રાથમિક માહિતી મુજબ, અકસ્માત સર્જનાર ટ્રક ચાલકને પોલીસે ઝડપી પાડ્યો છે. ઉલ્લેખનીય છે કે ઠેબા ચોકડી વિસ્તારમાં વારંવાર અકસ્માતો બનતા રહે છે, જેને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નાગરિકો દ્વારા ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો કરવા માટે સતત માંગ કરવામાં આવી રહી છે.
Read Original Article →