જામનગરમાં સ્વામિનારાયણ મંદિરનાં વિકાસ અર્થે ભાગવત કથા:જુના સ્વામિનારાયણ મંદિર અને પવિત્રધામ બગસરા પ્રસાદી મંદિર દ્વારા 1 થી 7 જૂન દરમિયાન સપ્તાહ સાથે ત્રિમાતૃ મહોત્સવનું ભવ્ય આયોજન
જામનગરમાં જુના પ્રસાદી સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા 1 જૂન, 2026 થી 7 જૂન, 2026 દરમિયાન રાત્રે 9 થી 11 વાગ્યા સુધી યોજાશે. વક્તા વિવેકસ્વરૂપદાસજી સ્વામીજી વ્યાસાસને કથામૃતનું રસપાન કરાવશે. કથા દરમિયાન વિવિધ ધાર્મિક પ્રસંગો ઉજવાશે. જેમાં 4 જૂને રાત્રે 11 વાગ્યે કૃષ્ણ જન્મોત્સવ, 6 જૂને રાત્રે 11 વાગ્યે રાસોત્સવ અને 7 જૂને રાત્રે 11 વાગ્યે રુક્ષ્મણી વિવાહનો સમાવેશ થાય છે. દરરોજ રાત્રે કથા પૂર્ણ થયા બાદ નાસ્તા રૂપી પ્રસાદની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. આ કથાના આયોજનનો મુખ્ય હેતુ સમાજને પતનના માર્ગેથી બચાવી, ભાવી પેઢીને સાચી દિશા આપવાનો છે. સ્વામીજીએ તમામ ધર્મપ્રેમી જનતાને બાળકો, યુવાનો અને વડીલોને આ કથામૃતનું રસપાન કરવા અનુરોધ કર્યો છે. આ ઉપરાંત, કથાના ત્રણ મુખ્ય ઉદ્દેશો ખેતી બચાવવી, જનેતા બચાવવી અને ગાય બચાવવી છે. આ ત્રણ માતાઓ બચશે તો જ સમાજ બચશે તેવી ભાવના સાથે 'ત્રિમાતૃ અભિયાન' શરૂ કરવામાં આવ્યું છે. જામનગરમાં પણ આ અભિયાનના કિરણો પ્રસારિત થાય તેવા ઉચ્ચ આશયથી કથાનું આયોજન કરાયું છે. આ કથામૃતનું પાન કરવા માટે આયોજક સમિતિના જતીનભાઈ વડનગરા, ભાવેશભાઈ ટીલવા, અમરીશભાઈ વડનગરા, સંદિપભાઈ ટીલવા, જયસુખભાઈ કાચા, અભયભાઈ ધોળકિયા, દીપકભાઈ સોલંકી અને જામનગર સ્વામિનારાયણ મંદિર યુવક મંડળ દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન કેયુરકુમાર ધર્મેશભાઈ જોષી, ધર્મેશભાઈ જોષી, હીનાબહેન ડી. જોષી, કૃપાલીબહેન કે. જોષી તથા નિમિષા ડી. જોષી છે.
Read Original Article →