SCA સામે 3.5 કરોડના સ્ટેન્ડ મુદ્દે સગાવાદનો આક્ષેપ:'જયદેવ ઉનડકટના કોચ અને રવીન્દ્ર જાડેજા જેવા ખેલાડી આપનાર મહેન્દ્રસિંહ ચૌહાણને પણ બોલાવવામાં આવતા નથી’
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA)ના વહીવટ અને સગાવાદ મુદ્દે ફરી એક વખત વિવાદ થયો છે. જામનગર રૂરલ એસોસિએશનના આજીવન સભ્ય સહદેવસિંહ ચુડાસમાએ એક વીડિયો બાઈટ દ્વારા એસોસિએશનના સત્તાધીશો સામે આક્ષેપો કર્યા છે. તેમણે રૂ. 3.5 કરોડના ખર્ચે લેવાયેલા સ્ટેન્ડના ઉપયોગ સામે પ્રશ્નો ઉઠાવ્યા છે. SCA સામે રૂ. 3.5 કરોડના સ્ટેન્ડ મુદ્દે આક્ષેપ ચુડાસમાએ સીધો સવાલ પૂછ્યો છે કે, SCA દ્વારા રૂ. 3.5 કરોડનું જે સ્ટેન્ડ લેવામાં આવ્યું છે, જેમાં 25 લોકોના બેસવાની વ્યવસ્થા છે, તેનો ઉપયોગ કોના માટે થઈ રહ્યો છે? તેમણે તાજેતરમાં રમાયેલી ફાઇનલ મેચનો ઉલ્લેખ કરતા આક્ષેપ કર્યો કે, સત્તાધીશો તેમના પરિવારના સભ્યોને લઈ ગયા હતા, પરંતુ નીચે આવતાં 20 એસોસિએશનમાંથી કોઈને આમંત્રણ આપ્યું ન હતું. સગાવાદ-શાહી ઠાઠના આરોપ તેમણે જણાવ્યું કે, તમે આ લોકોને તુચ્છ સમજો છો. તમારી માનસિકતા એવી છે કે, આ લોકોને બેસાડીશ તો બેસી જશે અને ઊભા થવાનું કહીશ તો ઊભા થઈ જશે. ચુડાસમાએ ઉમેર્યું કે, જેમના કારણે ખેલાડીઓ તૈયાર થાય છે, તેવા કોચની પણ અવગણના કરવામાં આવે છે. ટ્રસ્ટના પૈસે લીલાલેર કરતાં હોવાનો આરોપ તેમણે ઉદાહરણ આપતાં કહ્યું કે, પોરબંદરના જયદેવ ઉનડકટના કોચ કે જામનગરના મહેન્દ્રસિંહ ચૌહાણ, જેમણે રવીન્દ્ર જાડેજા જેવા ખેલાડી આપ્યા, તેમને પણ બોલાવવામાં આવતા નથી. ચુડાસમાના મતે, આ ટ્રસ્ટના પૈસે ફક્ત પરિવાર માટે જ બધું કરવામાં આવે છે અને શાહી ઠાઠ ભોગવવામાં આવે છે. ‘જિલ્લાના એસોસિએશનોની કોઈ નોંધ લેવામાં આવતી નથી’ સહદેવસિંહ ચુડાસમાએ બાકીના 20 એસોસિએશનને પણ સત્તાધીશોનો સાથ આપવાનું બંધ કરવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે, જિલ્લાના એસોસિએશનોની કોઈ નોંધ લેવામાં આવતી નથી અને તેમને ફક્ત 36 કે 48 બોલ આપી દેવામાં આવે છે, જ્યારે મુખ્ય લોકો પોતે જ સુવિધાઓનો લાભ લે છે. તેમણે ભવિષ્યમાં આ મુદ્દે 'હલ્લાબોલ' કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. ભવિષ્યમાં 'હલ્લાબોલ'ની ચીમકી વીડિયોના અંતમાં તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો આ 20 એસોસિએશનને સાથે લઈને યોગ્ય રીતે કામ નહીં ચાલે, તો ભવિષ્યની અંદર 'હલ્લાબોલ'નો એક જોરદાર કાર્યક્રમ આંદોલન કરવામાં આવશે. આ મુદ્દે તેમની સાથે ઘણા લોકોનો એક જ સૂર હોવાનો તેમણે દાવો કર્યો છે. ------ આ પણ વાંચો 'મોદી સ્ટેડિયમમાં SCAએ 3.16 કરોડના ખર્ચે VIP કોર્પોરેટ બોક્સ ખરીદ્યું' બે દિવસ પહેલાં રાજકોટમાં પણ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન વિવાદમાં આવ્યું હતું. એસોસિએશન (SCA)માં ચાલતા કથિત મનસ્વી વહીવટ, સ્થાપિત હિતો અને પરિવારવાદ સામે કાનૂની જંગ શરૂ થયો છે. આ તમામની વચ્ચે હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી રીટમાં એવો આક્ષેપ કરાયો હતો કે, લોઢા કમિટીની ભલામણો અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનું ઉલ્લંઘન SCA કરી રહ્યું છે. એટલું જ નહીં PIL કરનાર સભ્યનો આક્ષેપ છે કે, વર્ષ 2021માં મોદી સ્ટેડિયમમાં 3.16 કરોડના ખર્ચે VIP કોર્પોરેટ બોક્સ ખરીદ કરવામાં આવ્યું હતું. ત્યારે છેલ્લા દસ વર્ષનું સીએ દ્વારા ઓડિટ થવું જોઈએ. શું છે સમગ્ર મામલો? સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન લોઢા કમિટીની ભલામણોનું પણ ઉલ્લંઘન કરીને પરિવારવાદ ચલાવીને સ્થાપિત હિતોનો અડિંગો બની ગયાના આક્ષેપ સાથે પોરબંદર ડીસ્ટ્રીક્ટ (રૂરલ) એસોસીએશન દ્વારા કોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા. રીટ પીટીશનમાં એવી દલીલ કરવામાં આવી હતી કે, સૌરાષ્ટ્રના દરેક જિલ્લા ક્રિકેટ એસોસિયેશનને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ની ચૂંટણીમાં મત આપવાનો અધિકાર આપવામાં આવી રહ્યો નથી, મેમ્બરશીપ આપવામાં આવતી નથી. તેમજ લોઢા કમિટીના રીપોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાનું પાલન કરાતું નથી. એટલું જ નહીં ગેરવહીવટ તરફ આંગળી ચિંધતા એવી પણ દલીલ કરવામાં આવી હતી કે, નાણાકીય ઓડિટનું કામ સંસ્થાના જ સભ્ય એવા સી.એ. પાસે કરાવાય છે. વાંચો સંપૂર્ણ અહેવાલ… હાઇકોર્ટે ગત વર્ષે ચૂંટણી યોજવા પર સ્ટે આપ્યો ડિસ્ટ્રીક્ટ એસોસીયેશનોને મતાધિકાર, મેમ્બરશીપ સહિતના મુદ્દાઓ સાથેની રીટની સુનાવણી બાદ હાઇકોર્ટે ગત વર્ષે ચૂંટણી યોજવા પર હંગામી સ્ટે. આપ્યો હતો. ત્યાર બાદ સુનાવણીમાં હાઇકોર્ટે સુપ્રીમ કોર્ટના નિવૃત જજ એમ.આર. શાહને આ તમામ મુદ્દાઓની ઇન્કવાયરી સોંપી હતી. જેમાં તમામ પક્ષકારો-ડિસ્ટ્રીક્ટ એસોસીએશનો-સભ્યોને સાંભળીને રિપોર્ટ આપવા સુચવ્યું હતું. તમામને સાંભળી અહેવાલ HCમાં સોંપાશે આ તમામ જિલ્લા એસોસિયેશનોની મુખ્ય એક જ માગણી છે કે, તમામ 20 ડિસ્ટ્રિક્ટ એસોસિયેશનને SCAના કાયમી સભ્ય બનાવીને લોકશાહી ઢબે મતાધિકાર આપવામાં આવે, તેમજ રણજી ટ્રોફી જેવી ટુર્નામેન્ટમાં 10થી વધુ મેચ રમી ચૂકેલા પૂર્વ ખેલાડીઓનો પણ સભ્યપદમાં સમાવેશ કરવામાં આવે. નિવૃત જજ એમ.આર. શાહ તમામ પક્ષોને સાંભળ્યા બાદ આ મામલે હાઈકોર્ટમાં અહેવાલ સોંપશે, જેની આગામી સુનાવણી 10મી જૂને થવાની છે.
Read Original Article →