જામનગરમાં 'સાઇચા ગેંગ' સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી:11 સભ્યો સામે ગુનો દાખલ, 7ની ધરપકડ
જામનગર પોલીસે કુખ્યાત 'સાઇચા ગેંગ' સામે સંગઠિત ગુનાખોરી બદલ કડક કાર્યવાહી કરી છે. ગેંગના કુલ 11 સભ્યો સામે 'ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝડ ક્રાઈમ' (ગુજસીટોક) કાયદા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ મોડી રાત્રે હાથ ધરાયેલા ઓપરેશનમાં 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગ હત્યા, લૂંટ, દુષ્કર્મ, સરકારી જમીન પચાવી પાડવી અને ભૂમાફિયા તરીકે જમીન હડપવા જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી હતી. તેમની સામે હત્યાના પ્રયાસ અને દિવસ દરમિયાન લૂંટ ચલાવવા સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે.
ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયેલા મુખ્ય આરોપીઓમાં એજાઝ સાઇચા, અસગર સાઇચા, હનીફ સાઇચા, ઇમ્તિયાઝ સાઇચા, મહેબૂબ સાઇચા, ગુલામ સાઇચા, રઝાક સોપારી, રાઝક સાઈચા, સિકંદર સાઈચા, ઇમરાન સાઇચા અને બસિર સાઇચાનો સમાવેશ થાય છે. ગુનો દાખલ થયા બાદ રેન્જ IG નિર્લિપ્ત રાય, જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનિ અને ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ વિવિધ વિસ્તારોમાં દરોડા પાડીને ગેંગ સાથે સંકળાયેલા 7 શખ્સોને ઝડપી પાડ્યા હતા. જામનગરમાં અગાઉ પણ આવી સંગઠિત ગુનાખોરી કરતી ટોળકીઓ સામે ગુજસીટોક હેઠળ કડક પગલાં લેવાયા છે. હાલ પોલીસ આ મામલે વધુ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે.
Read Original Article →