જામનગર RTO કચેરીને બોમ્બથી ઉડાવી દેવાનો ઈમેલ મળ્યો:કચેરીમાં સુરક્ષાના કારણોસર કામકાજ બંધ, તપાસમાં કંઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા રાહત

Gujarat4/6/2026, 9:03:46 AM
જામનગર RTO કચેરીને બોમ્બથી ઉડાવી દેવાનો ઈમેલ મળ્યો:કચેરીમાં સુરક્ષાના કારણોસર કામકાજ બંધ, તપાસમાં કંઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા રાહત
ગુજરાતની જામનગર, રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત સહિતની મુખ્ય આરટીઓ કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાનો ઈમેલ મળ્યા બાદ આજે કામકાજ બંધ રાખવામાં આવ્યું હતું. સુરક્ષાના કારણોસર તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી કામગીરી સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો હતો. જામનગર આરટીઓ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળ્યો હતો. આ ઈમેલ મળતાની સાથે જ પોલીસ વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી. જામનગર આરટીઓ કચેરી ખાતે નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સમગ્ર પરિસરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. માત્ર સ્ટાફને જ પ્રવેશ અપાયો હતો. કોઈપણ અનિચ્છનીય પરિસ્થિતિ ટાળવા માટે આ પૂર્વ સાવચેતીના પગલાં લેવાયા હતા. જામનગર આરટીઓ કચેરી સહિત અન્ય સ્થળોએ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા બિલ્ડિંગ અને પરિસરના દરેક ખૂણાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. તપાસના અંતે, કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ મળી ન હતી, જેથી આરટીઓ કચેરીઓ 'સબ સલામત' જાહેર કરવામાં આવી હતી. આ બનાવને કારણે આજના દિવસ દરમિયાન અરજદારો અને સેવાઓ માટે આવેલા નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તંત્ર દ્વારા નાગરિકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ પરિસ્થિતિ મુજબ કામકાજ ફરી શરૂ કરવામાં આવશે.
Read Original Article →