યુવક કોંગ્રેસ, NSUI દ્વારા RTE ફોર્મ ભરવા હેલ્પ સેન્ટર શરૂ:જામનગરમાં વાલીઓને મફત પ્રવેશ પ્રક્રિયામાં વિનામૂલ્યે મદદ મળશે
જામનગર: આર્થિક રીતે નબળા વર્ગના બાળકોને ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ મળી રહે તે હેતુથી અમલમાં આવેલા 'રાઈટ ટુ એજ્યુકેશન' (RTE) એક્ટ હેઠળ વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. આ પ્રક્રિયામાં વાલીઓને મદદરૂપ થવા માટે યુવક કોંગ્રેસ અને NSUI જામનગર દ્વારા વિનામૂલ્યે હેલ્પ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કોંગ્રેસની UPA સરકાર દ્વારા ૨૦૦૯માં અમલમાં મુકાયેલા આ કાયદા હેઠળ ખાનગી શાળાઓમાં ૨૫% બેઠકો આર્થિક રીતે નબળા બાળકો માટે અનામત રાખવામાં આવે છે. આ યોજના અંતર્ગત ધોરણ ૧ થી ૮ સુધીનું શિક્ષણ સંપૂર્ણ મફત આપવામાં આવે છે. ઉપરાંત, વિદ્યાર્થીઓને યુનિફોર્મ અને સ્ટેશનરી માટે વાર્ષિક ₹૩,૦૦૦ની સહાય સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. RTEના ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા તારીખ 04/04/2026થી 17/04/2026 સુધી ચાલશે. વાલીઓની સુવિધા માટે યુવક કોંગ્રેસ અને NSUI દ્વારા શરૂ કરાયેલા આ હેલ્પ સેન્ટર પર કોઈ પણ પ્રકારના ચાર્જ વગર ફોર્મ ભરી આપવામાં આવશે. આ હેલ્પ સેન્ટર જામનગરમાં ઝવેર ચેમ્બર, ઓફિસ નંબર ૫૦૨, પાંચમો માળ, અંબર ટૉકીઝ રોડ, માણેક સેન્ટરની બાજુમાં કાર્યરત છે. વાલીઓ સાંજે ૪:૦૦ થી ૭:૦૦ વાગ્યા દરમિયાન આ સેવાનો લાભ લઈ શકશે. વધુ જાણકારી કે સહાય માટે ડો. તોષીફખાન પઠાણ (88660 55555), શક્તિસિંહ જેઠવા (93268 11111), મહિપાલસિંહ જાડેજા (95585 49999) અને રવિરાજસિંહ ગોહિલ (95325 22222) નો સંપર્ક કરી શકાય છે. આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ વાલીઓને સમયમર્યાદામાં આ સેવાનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
Read Original Article →