જામનગરની હોલીડે રિસોર્ટમાં બાળકનું ડૂબી જવાથી મોત:સ્વિમિંગ પૂલમાં ન્હાવા પડ્યા બાદ ઊંડા પાણીમાં ગરકાવ થયો, ભારે જહેમત બાદ પણ પરિવારજનો જીવ ન બચાવી શક્યાં

Gujarat6/5/2026, 4:34:09 PM
જામનગરની હોલીડે રિસોર્ટમાં બાળકનું ડૂબી જવાથી મોત:સ્વિમિંગ પૂલમાં ન્હાવા પડ્યા બાદ ઊંડા પાણીમાં ગરકાવ થયો, ભારે જહેમત બાદ પણ પરિવારજનો જીવ ન બચાવી શક્યાં
જામનગર-રાજકોટ હાઈવે પર જાંબુડા પાટિયા નજીક આવેલા એક રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી 9 વર્ષના બાળકનું મૃત્યુ થયું છે. જામનગરનો હર્ષ કિરીટભાઈ પરમાર નામનો બાળક પરિવાર સાથે રિસોર્ટમાં ફરવા ગયો હતો ત્યારે આ ઘટના બની હતી. પંચકોશી એ. ડિવિઝન પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ, હર્ષ પરમાર આજે સાંજે આશરે 5.30 વાગ્યાના અરસામાં પરિવાર સાથે જાંબુડા નજીકના હોલીડે રિસોર્ટ ખાતે પહોંચ્યો હતો. પરિવારના અન્ય સભ્યો સાથે હર્ષ પણ રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં નાહવા પડ્યો હતો. નાહતી વખતે તે અચાનક પાણીના ઊંડા ભાગમાં ગરકાવ થઈ ગયો હતો. પાણી પી જવાથી હર્ષ પૂલની અંદર જ બેભાન થઈ ગયો હતો. પરિવારજનોએ ભારે જહેમત બાદ તેને પાણીમાંથી બહાર કાઢ્યો હતો. બેભાન અવસ્થામાં રહેલા હર્ષને તાત્કાલિક જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ જામનગર પંચકોશી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક હોલીડે રિસોર્ટ અને ત્યારબાદ જી.જી. હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. પોલીસે બાળકના મૃતદેહનો કબજો સંભાળી તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →