મેયર મોનિકાબેન વ્યાસ સહિતના પદધિકારીઓની ગ્રાઉન્ડ વિઝીટ:પ્રિ-મોન્સૂન કામગીરીનું નિરીક્ષણ કરી અધિકારીઓને કડક આદેશો અપાયા
જામનગર મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વેની કામગીરી તેજ કરવામાં આવી છે. શહેરમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલ અને નાગરિકોને હાલાકી ન પડે તે સુનિશ્ચિત કરવા માટે મેયર મોનિકાબેન વ્યાસ સહિતના પદધિકારીઓ અને અધિકારીઓએ વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો હેતુ પ્રિ-મોન્સૂન કામગીરીની પ્રગતિની સમીક્ષા કરવાનો હતો. આ મુલાકાત દરમિયાન, મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશ ડેર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણી સહિતના પદધિકારીઓએ દરેડ ખોડિયાર મંદિર પાસે આવેલી કેનાલની ખાસ મુલાકાત લીધી હતી. તેમણે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અને કેનાલની સફાઈ કામગીરીનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું. પદધિકારીઓએ અધિકારીઓને ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ ન સર્જાય તે માટે કડક સૂચનાઓ આપી હતી. સ્થાનિક લોકોને હાલાકી ન પડે તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા અને નિકાલ વ્યવસ્થાને ચોમાસા પૂર્વે જ મજબૂત બનાવવા આદેશ કરાયા છે.
પ્રિ-મોન્સૂન કામગીરીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદધિકારીઓ તેમજ ઉચ્ચ વહીવટી અધિકારીઓ ગ્રાઉન્ડ પર ઉતર્યા હતા. તેમણે વિવિધ સ્થળોએ ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું અને જ્યાં નબળી કામગીરી જણાઈ, ત્યાં સુધારા માટે કડક પગલાં લેવા નિર્દેશ આપ્યા. આ અંગે મેયર મોનિકાબેન વ્યાસે જણાવ્યું હતું કે, "આજે અમે ખોડિયાર માતાજીના મંદિર પાસેની નદીનું નિરીક્ષણ કરવા આવ્યા છીએ. રંગમતી અને નાગમતી નદીના પાણીનો પ્રવાહ વધે ત્યારે આજુબાજુના વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે. આ પાણીનો યોગ્ય નિકાલ થાય અને ચોમાસામાં પાણી ભરાવો ન થાય તે સુનિશ્ચિત કરવા માટે કેનાલની સફાઈ ઝડપથી થાય તે હેતુથી અમે અહીં આવ્યા છીએ."
Read Original Article →