જામનગરમાં 'પ્રગતિ પથ યાત્રા'નો ભવ્ય પ્રારંભ:પ્રધાનમંત્રીના વિઝન હેઠળ 13 પ્રકલ્પોની નાગરિકોને ઝાંખી કરાવાઈ
જામનગર જિલ્લામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરોગામી વિઝન હેઠળ સાકાર થયેલા 13 વિકાસ પ્રકલ્પોની નાગરિકોને ઝાંખી કરાવવા માટે 'પ્રગતિ પથ યાત્રા'નો ભવ્ય પ્રારંભ થયો છે. જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 8 થી 14 જૂન દરમિયાન બે તબક્કામાં આ યાત્રાનું આયોજન કરાયું છે. આ યાત્રાનો વિધિવત પ્રારંભ 9 જૂનના રોજ જામનગર કલેક્ટર કચેરી ખાતેથી વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. પ્રથમ તબક્કામાં સાંસદ, ધારાસભ્યો, કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને અગ્રણીઓ ઉત્સાહભેર જોડાયા હતા. પ્રારંભિક ચરણમાં, યાત્રાએ જામનગર ગ્રામ્ય અને શહેરી વિસ્તારના ખીજડીયા પક્ષી અભ્યારણ, જાંબુડા સામુહિક આરોગ્ય કેન્દ્ર, પી.એમ. શાળા-હડિયાણા, ભાદરા પ્રાકૃતિક ફાર્મ, ભાદરા સ્વામિનારાયણ મંદિર, ઐતિહાસિક યુદ્ધ ભૂમિ સ્થળ ભૂચરમોરી, હાપા રેલવે સ્ટેશન તથા ઓવરબ્રિજ, ભૂજીયો કોઠો અને ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જેવા પ્રખ્યાત અને વિકાસાત્મક સ્થળોની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન, યાત્રાના સહભાગીઓએ તમામ સ્થળોના મહત્વ અને તેની વિશેષતાઓ અંગે ઝીણવટભરી માહિતી મેળવી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થળ પર જ ચાલી રહેલી તેમજ પૂર્ણ થયેલી વિવિધ યોજના-પરિયોજનાઓની વિગતવાર માહિતી પ્રદર્શિત કરવામાં આવી હતી. મુલાકાતીઓને ગાઈડ દ્વારા ઐતિહાસિક અને વિકાસાત્મક મહત્વની સચોટ જાણકારી પણ આપવામાં આવી હતી, તેમજ સાહિત્ય પણ ઉપલબ્ધ કરાવાયું હતું. આ યાત્રાના બીજા તબક્કામાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, સંતો-મહંતો, પ્રતિષ્ઠિત નાગરિકો અને સમાજના વિવિધ વર્ગના લોકો જોડાઈને આ વિકાસ યાત્રાના સહભાગી બનશે.
Read Original Article →