જામનગરમાં વસ્તી ગણતરી 2027ની તાલીમ શરૂ:એકે દોશી કોલેજમાં 1200 શિક્ષકોને પ્રક્રિયા અંગે માર્ગદર્શન અપાયું
જામનગરમાં વસ્તી ગણતરી 2027ની કામગીરી શરૂ થઈ ગઈ છે. આ અંતર્ગત, એકે દોશી મહિલા કોલેજમાં આશરે 1200 શિક્ષકોને વસ્તી ગણતરી પ્રક્રિયા અંગે તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં શિક્ષકોને ગણતરીની પદ્ધતિઓ અને મહત્વ વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. જામનગર મહાનગરપાલિકા હદ વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને જાણ કરવામાં આવી છે કે ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવતી રાષ્ટ્રીય જનગણના 2027ની કામગીરી રાજ્યમાં શરૂ થનાર છે. જનગણના એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્ય છે, જે વસ્તી, સામાજિક, આર્થિક અને આવાસ સંબંધિત માહિતી એકત્રિત કરે છે. આ એકત્રિત માહિતી વિવિધ કલ્યાણકારી યોજનાઓ તથા વિકાસકાર્યોના આયોજન અને અમલીકરણ માટે અત્યંત ઉપયોગી બને છે. જનગણના કાર્યક્રમ હેઠળ, નાગરિકો માટે સ્વ-ગણનાની સુવિધા 17 મે, 2026 થી 31 મે, 2026 સુધી ઉપલબ્ધ રહેશે. આ સમયગાળા દરમિયાન, નાગરિકો નિર્ધારિત સ્વગણના પોર્ટલ (se.census.gov.in) પર પોતાની માહિતી સ્વયં નોંધાવી શકશે. સ્વ-ગણના બાદ, હાઉસ લિસ્ટિંગ ઓપરેશનની કામગીરી 1 જૂન થી 30 જૂન, 2026 દરમિયાન હાથ ધરવામાં આવશે. આ પ્રક્રિયામાં, જનગણના કર્મચારીઓ ઘરે-ઘર જઈને જરૂરી માહિતી એકત્રિત કરશે. શહેરના તમામ નાગરિકોને આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્યમાં સક્રિય સહભાગી બનવા અને સાચી તથા સંપૂર્ણ માહિતી પૂરી પાડવા વિનંતી કરવામાં આવી છે. જનગણના અંતર્ગત પ્રાપ્ત થતી તમામ માહિતી જનગણના અધિનિયમ મુજબ સંપૂર્ણપણે ગોપનીય રાખવામાં આવે છે. આ માહિતીનો ઉપયોગ માત્ર આંકડાકીય તથા વિકાસલક્ષી હેતુઓ માટે જ કરવામાં આવે છે, તેની ગુપ્તતા જાળવવામાં આવે છે. જામનગર મહાનગરપાલિકાના મુખ્ય વસ્તી ગણતરી અધિકારી અને કમિશનર ડી.એન. મોદીના નિયંત્રણ હેઠળ આ કામગીરી ચાલી રહી છે. સીટી સેન્સસ અધિકારી અને નાયબ કમિશનર ડી.એ. ઝાલા, આસિસ્ટન્ટ કમિશનર મુકેશ વરણવા અને વસ્તી ગણતરી શાખા આ કાર્યમાં સક્રિય છે. જામનગર મહાનગરપાલિકા હદ વિસ્તારમાં કુલ 8 ચાર્જ ઓફિસરોની નિમણૂક કરવામાં આવેલ છે. તેમની નીચે ગણતરીદાર અને સુપરવાઈઝરની નિમણૂક કરવામાં આવી છે, અને દરેકને સહીવાળા ઓળખ કાર્ડ આપવામાં આવ્યા છે. વિવિધ વોર્ડ માટે નિમણૂક કરાયેલા ચાર્જ ઓફિસરોમાં વોર્ડ નંબર 1 અને 2 માટે તુષાર મેહતા, વોર્ડ નંબર 3 અને 4 (નવા નાગના, જુના નાગના, વિભાપર) માટે રાકેશ એમ માકડિયા, વોર્ડ નંબર 5 અને 6 માટે કિશોરસિંહ જી. વાળા, વોર્ડ નંબર 7 અને 8 માટે અરવિંદ પટેલ, વોર્ડ નંબર 9 અને 10 માટે પ્રતિક જાવિયા, વોર્ડ નંબર 11 અને 12 (મોરકંડા) માટે ભાવેશ જે. ટાંક, વોર્ડ નંબર 13 અને 15 માટે સમીરા જીવાણી, તથા વોર્ડ નંબર 14 અને 16 માટે વિપુલ સંતોકીનો સમાવેશ થાય છે. જામનગર મહાનગરપાલિકાના તમામ નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ જનગણના અધિકારીઓ અને કર્મચારીઓને સંપૂર્ણ સહકાર આપે અને જનગણના 2027ને સફળ બનાવવ યોગદાન આપે .તેવી અપીલ સિટી સેન્સેસ અધિકારીએ કરી છે.
Read Original Article →