જામનગર પોલીસે રૂ. 8.10 લાખની ચાંદી ભરેલી થેલી શોધી કાઢી:“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ ગુમ થયેલો મુદ્દામાલ મૂળ માલિકને પરત કર્યો
જામનગર શહેર પોલીસે પ્રજાલક્ષી અભિગમ અપનાવીને એક પ્રશંસનીય કામગીરી કરી છે. સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કોડે ગુમ થયેલી આશરે રૂ. 8.10 લાખની કિંમતની ચાંદી ભરેલી થેલી માત્ર બે દિવસમાં શોધી કાઢી, મૂળ માલિકને પરત કરી છે. આ કામગીરી રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય અને જામનગરના એસ.પી. ડૉ. રવિમોહન સૈની દ્વારા ગુમ થયેલા કિંમતી સામાનને ત્વરિત શોધી કાઢવા અને પરત કરવા માટે અપાયેલી કડક સૂચનાઓના ભાગરૂપે કરવામાં આવી હતી. જામનગર શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું. બે દિવસ પહેલાં જામનગર સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુલાબનગર વિસ્તારમાં એક જ્વેલર્સની દુકાન બહારથી અરજદારની ચાંદી ભરેલી થેલી ગુમ થઈ હતી. આ થેલીમાં 3.183 કિલોગ્રામ વજનની ચાંદી હતી, જેની બજાર કિંમત આશરે રૂ. 8.10 લાખ જેટલી થાય છે. પી.આઈ. એન.એમ. ગઢવીની સૂચના અને પી.એસ.આઈ. ડી.જી. રાજના નેતૃત્વમાં સર્વેલન્સ સ્કોડની એક વિશેષ ટીમે તુરંત તપાસ શરૂ કરી હતી. ટીમે આસપાસના વિસ્તારોમાં ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને સઘન તપાસ હાથ ધરી હતી. ભારે જહેમત બાદ માત્ર બે દિવસના ટૂંકા ગાળામાં પોલીસે 3.183 કિલોગ્રામ ચાંદી ભરેલી થેલી અકબંધ શોધી કાઢી હતી. મુદ્દામાલ રિકવર થયા બાદ પોલીસે મૂળ માલિકનો સંપર્ક સાધી તેમને પોલીસ સ્ટેશન ખાતે બોલાવ્યા હતા. ત્યાં સત્તાવાર પ્રક્રિયા પૂર્ણ કરીને “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ રૂ. 8,10,000 ની કિંમતની ચાંદી મૂળ માલિકને સન્માનભેર પરત સોંપવામાં આવી હતી. પોતાની ગુમ થયેલી કિંમતી ચાંદી સુરક્ષિત પરત મળતા મૂળ માલિકે જામનગર પોલીસની ત્વરિત કામગીરી અને પ્રામાણિકતાની પ્રશંસા કરી આભાર વ્યક્ત કર્યો હતો.
Read Original Article →