314 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત:ભેળસેળની આશંકાએ ધુડાસીયા ગામની સીમમાં પોલીસે દરોડો પાડ્યો
જામનગર તાલુકાના ધુડાસીયા ગામની સીમમાં ભેળસેળયુક્ત ઘી બનાવવામાં આવતું હોવાની આશંકાએ પોલીસે દરોડો પાડ્યો છે. આ દરોડા દરમિયાન પોલીસે આશરે 314 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, જામનગર પંચકોશી 'એ' ડિવિઝનના PI એમ.એન. શેખના માર્ગદર્શન હેઠળ PSI એ.આર. પરમાર અને તેમની ટીમે પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમી મેળવી હતી. આ બાતમી અનુસાર, ધુડાસીયા ગામની સીમમાં પરેશ વણપરિયા નામનો શખ્સ ભેળસેળવાળું ઘી બનાવી તેનું વેચાણ કરતો હતો. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક ફૂડ એન્ડ ડ્રગ વિભાગ, જામનગરના અધિકારીઓને સાથે રાખીને બાતમીવાળા સ્થળે સંયુક્ત દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી કુલ 9 પ્લાસ્ટિકના કેન મળી આવ્યા હતા. આ કેનમાં ભરેલો 314 કિલો કહેવાતો શુદ્ધ ઘીનો જથ્થો શંકાસ્પદ જણાતા પોલીસે તેને જપ્ત કર્યો હતો. ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળ પર જ ઘીના નમૂના લેવામાં આવ્યા છે. આ નમૂનાઓને પૃથક્કરણ માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. લેબોરેટરીનો રિપોર્ટ આવ્યા બાદ આ મામલે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.
Read Original Article →