જામનગરમાં ચૂંટણી પૂર્વે પોલીસનું કોમ્બિંગ:સંવેદનશીલ વિસ્તારોમાં કાયદો-વ્યવસ્થા જાળવવા કાર્યવાહી, 12 બાઇક ડિટેઇન

Gujarat4/8/2026, 8:29:25 AM
જામનગરમાં ચૂંટણી પૂર્વે પોલીસનું કોમ્બિંગ:સંવેદનશીલ વિસ્તારોમાં કાયદો-વ્યવસ્થા જાળવવા કાર્યવાહી, 12 બાઇક ડિટેઇન
જામનગર શહેરમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા ગુનાખોરી અટકાવવા પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ સુરક્ષા વ્યવસ્થાને લઈને કડક પગલાં લેવામાં આવી રહ્યા છે, જેની અમલવારી ખાસ કરીને સિટી-એ ડિવિઝન વિસ્તારમાં જોવા મળી રહી છે. સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.એમ. ડોડિયા સહિતના સ્ટાફ દ્વારા ગત રાત્રિએ "કોમ્બિંગ" નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં પી.આઈ. વી.એમ. ડોડિયા, પી.એસ.આઈ. વી.આર. ગામેતી, પી.એસ.આઈ. એમ.એન. રાઠોડ અને સ્ટાફ જોડાયા હતા. શહેરના દરબારગઢ નાકા બહાર આવેલ પાંચ હાટડી, ઘાંચીની ખડકી વિસ્તાર, ખોજા નાકા વિસ્તાર, સુમરા ચાલી વિસ્તાર અને ઓશવાળ હોસ્પિટલ વિસ્તાર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન વાહનચાલકોના લાયસન્સ સહિતના કાગળોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. પોલીસે ફોર-વ્હીલરમાં બ્લેક ફિલ્મ હટાવવા, બાઈકમાં ટ્રિપલ સવારી, ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવી, ધૂમ સ્ટાઈલથી બાઈક ચલાવી રોમિયોગીરી કરતા વાહનચાલકો અને ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી કરી હતી. ધ્વનિ પ્રદૂષણ કરતા બુલેટ ચાલકો સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં ૧૨થી વધુ બાઈક ડિટેઈન કરવામાં આવ્યા હતા અને સંખ્યાબંધ લોકો પાસેથી સ્થળ પર જ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. સિટી-એ ડિવિઝન પોલીસે દુકાનો કે જાહેર સ્થળોએ વાહનો સાઈડમાં પાર્ક કરીને મોડી રાત સુધી જમાવડો કરીને બેસનારાઓ સામે પણ કડક કાર્યવાહી કરી હતી, જેમાં કેટલાક લોકો પોલીસને જોઈને ભાગી છૂટ્યા હતા. પોલીસની આ કાર્યવાહીથી નિયમોનો ભંગ કરનારા વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
Read Original Article →