સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની સખત કેદ:જામનગર પોક્સો કોર્ટનો ચુકાદો, પીડિતાને રૂ. 4 લાખ વળતર ચૂકવવાનો પણ આદેશ

Gujarat6/2/2026, 3:06:50 PM
સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની સખત કેદ:જામનગર પોક્સો કોર્ટનો ચુકાદો, પીડિતાને રૂ. 4 લાખ વળતર ચૂકવવાનો પણ આદેશ
જામનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે જામજોધપુરની 12 વર્ષીય સગીરા પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સ્પેશિયલ જજ આરતી મોગેરાએ આ ગુનાને ઘૃણાસ્પદ ગણાવી આરોપીને આકરી સજા અને દંડનો હુકમ કર્યો હતો. કેસની વિગત મુજબ, 27 જાન્યુઆરી 2025ના રોજ સાંજે જામજોધપુર મામલતદાર ઓફિસ પાછળથી આરોપી મયુર ઉર્ફે અજીત અજય સોલંકીએ 12 વર્ષ અને 6 મહિનાની સગીરાનું અપહરણ કર્યું હતું. આરોપી સગીરાને જામનગર લઈ ગયો હતો, જ્યાં તેણે તેની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. સગીરાના પિતાએ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 137(2) હેઠળ ગુનો નોંધાવ્યો હતો. તપાસ બાદ આરોપી વિરુદ્ધ BNS કલમ 64(2), 65(1) અને પોક્સો એક્ટની કલમ 4, 6, 12 હેઠળ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. આ કેસ સ્પેશિયલ પોક્સો જજ આરતી મોગેરાની કોર્ટમાં ચાલ્યો હતો. સરકારી વકીલ ભારતી વાદીએ સરકાર પક્ષે દલીલો કરી હતી. કોર્ટ સમક્ષ 11 સાક્ષીઓની જુબાની અને 49 દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતા. સરકારી વકીલ ભારતી વાદીએ દલીલ કરી હતી કે, આરોપી સગીર વયની બાળકી હોવાનું જાણતો હોવા છતાં તેણે આ ઘૃણાસ્પદ કૃત્ય આચર્યું હતું, જે સમાજ માટે કલંકરૂપ છે અને આવા આરોપી સામે કોઈ નરમાઈ દાખવી શકાય નહીં. કોર્ટે સરકારી વકીલની દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં રાખી આરોપી મયુર ઉર્ફે અજીત સોલંકીને સજા ફટકારી હતી. પોક્સો કલમ 4 અને 6 હેઠળ 20-20 વર્ષની સખત કેદ અને પોક્સો કલમ 12 હેઠળ 3 વર્ષની સખત કેદની સજાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કોર્ટે અલગ-અલગ કલમો હેઠળ કુલ રૂ. 35,000નો દંડ પણ ફટકાર્યો હતો. જો આરોપી દંડ ન ભરે તો તેને વધુ એક વર્ષની સખત કેદ ભોગવવી પડશે. કોર્ટે ભોગ બનનાર સગીરાને વળતર પેટે રૂ. 4 લાખ ચૂકવવાનો પણ આદેશ કર્યો હતો.
Read Original Article →