જામનગરમાં ઓપરેશન ડેલ્ટા હન્ટ: 12 શકમંદોની અટકાયત:ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરોની શોધખોળ તેજ કરાઈ
જામનગર જિલ્લામાં ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ અંતર્ગત ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી ઘૂસણખોરોની શોધખોળ તેજ કરવામાં આવી છે. આ અભિયાન હેઠળ પોલીસે 12 શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી છે. ગુજરાતની આંતરિક શાંતિ, સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને મજબૂત કરવા રાજ્યભરમાં આ ઓપરેશન શરૂ કરાયું છે. જામનગરમાં પોલીસની વિવિધ ટીમો દ્વારા સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ સૂત્રો અનુસાર, જામનગર શહેર અને જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારો, મજૂર વસાહતો, ભાડાના મકાનો, ધાર્મિક સ્થળો અને અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં ચકાસણીની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જામનગર શહેર અને મેઘપર પોલીસ મથકના કાર્યક્ષેત્રમાંથી આ 12 શંકાસ્પદ વ્યક્તિઓને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવાયા છે. તેમની ઓળખ, રહેણાંક, દસ્તાવેજો અને નાગરિકતા અંગેની ચકાસણી ચાલી રહી છે. દરેડ જીઆઈડીસી વિસ્તાર, મેઘપર પોલીસ મથક હદ તેમજ શહેરના ત્રણેય પોલીસ ડિવિઝન સહિત અન્ય સ્થળોએ દસ્તાવેજોની તપાસ, ઓળખ ચકાસણી અને સ્થળ પર પૂછપરછ કરાઈ હતી. શંકાસ્પદ વ્યક્તિઓના આધાર પુરાવા, ઓળખપત્રો અને અન્ય જરૂરી દસ્તાવેજોની ખરાઈ કરવામાં આવી રહી છે. હાલ તપાસ પ્રક્રિયા ચાલુ હોવાથી કોઈપણ વ્યક્તિ અંગે અંતિમ નિર્ણય ચકાસણી પૂર્ણ થયા બાદ જ લેવાશે. જો કોઈ વ્યક્તિ ગેરકાયદેસર રીતે દેશમાં રહેતો હોવાનું સામે આવશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે. જામનગર પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ હેઠળ સઘન ચેકિંગ અને તપાસ અભિયાન યથાવત્ રખાશે. પોલીસ તંત્રએ નાગરિકોને પણ કોઈ શંકાસ્પદ વ્યક્તિ અંગે માહિતી હોય તો નજીકના પોલીસ મથકને જાણ કરવા અપીલ કરી છે.
Read Original Article →