NSUI એ જામનગરની શાળાઓને આવેદનપત્ર આપ્યું:વિદ્યાર્થી હિતમાં 5 માંગણીઓ, ઉલ્લંઘન પર આંદોલનની ચીમકી
જામનગરમાં NSUI દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ પહેલા NSUI કાર્યકરોએ શહેરની તમામ શાળાઓને આવેદનપત્ર પાઠવ્યું છે. આ આવેદનપત્રમાં શૈક્ષણિક ક્ષેત્રે ચાલતી ગેરરીતિઓ અટકાવવા અને નીતિ-નિયમોનું ચુસ્ત પાલન કરવા રજૂઆત કરવામાં આવી છે. NSUI દ્વારા શાળાઓ સમક્ષ મુખ્ય પાંચ માંગણીઓ મૂકવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ અને વાલીઓને થતા આર્થિક બોજ અને શોષણ અટકાવવાનો છે. પ્રથમ માંગણી મુજબ, શાળાઓએ ખાનગી પ્રકાશકોના મોંઘા પુસ્તકો વાપરવા માટે વિદ્યાર્થીઓ પર દબાણ ન કરવું જોઈએ. ઉપરાંત, કોઈ ચોક્કસ સ્ટેશનરી કે દુકાનેથી જ બુક્સ, બેગ કે યુનિફોર્મ ખરીદવાનો આગ્રહ રાખવા પર પ્રતિબંધ મૂકવાની પણ રજૂઆત કરાઈ છે. ત્રીજી માંગણીમાં શાળા પરિસરમાં જ સ્ટેશનરી, બેગ કે ડ્રેસનું વેચાણ કરીને વેપારીકરણ ન કરવા જણાવાયું છે. ચોથી માંગણીમાં વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓને વધારાના વર્ગોના નામે શાળાએ ન બોલાવવા અને જાહેર રજાઓના દિવસે રજાનું પાલન કરવા કડક સૂચના આપવા જણાવ્યું છે. પાંચમી અને અંતિમ માંગણી FRC દ્વારા મંજૂર કરવામાં આવેલી ફી જ વાલીઓ પાસેથી વસૂલવામાં આવે તે સુનિશ્ચિત કરવાની છે. NSUI એ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કોઈ પણ શાળા દ્વારા આ નીતિ-નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે અથવા વાલીઓ તરફથી ફરિયાદ મળશે, તો તે શાળા સામે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. વિદ્યાર્થીઓના ભાવિ અને વાલીઓના આર્થિક હિતને ધ્યાને રાખીને NSUI નું આ પગલું હાલ શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યું છે.
Read Original Article →