NEET પેપર લીક મુદ્દે જામનગરમાં પૂર્વ નગરસેવિકાના અનોખા ઘરણા:વિદ્યાર્થીઓને ન્યાય અને ગુનેગારોને પકડવા આંખે પાટા બાંધી ધરણા કર્યાં; શિક્ષણ મંત્રીને આવેદન આપશે
દેશભરમાં ચકચારી બનેલા NEET પરીક્ષાના પેપર લીક કૌભાંડના વિરોધમાં જામનગરમાં પૂર્વ નગરસેવિકા રત્નાબેન નંદાણીયાએ અનોખા ધરણા પ્રદર્શન શરૂ કર્યા છે. વિદ્યાર્થીઓના ન્યાય અને આત્મહત્યા કરનારાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે તેઓ આંખે પાટા બાંધીને ધરણા પર બેઠા છે. રત્નાબેન નંદાણીયાએ મીડિયાને જણાવ્યું કે, NEET પેપર લીકના કારણે અત્યાર સુધીમાં 17 જેટલા વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. તાજેતરમાં એક વિદ્યાર્થીનીએ બીજી વખત પરીક્ષા આપવાની હિંમત ન હોવાનું કહીને જીવન ટૂંકાવ્યું હતું. આ મૃતક વિદ્યાર્થીઓના આત્માની શાંતિ અને તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે આ ધરણા યોજાયા છે. રત્નાબેન સાથે રોશનબેન, કિશન અને શહેરના અન્ય લોકો પણ આ ધરણામાં જોડાયા છે. તેઓ છેલ્લા ત્રણ દિવસથી આંખે પાટા બાંધીને સતત ધરણા પર બેઠા છે. રત્નાબેને જણાવ્યું કે, 5 તારીખે તેઓ શિક્ષણ મંત્રીને આવેદનપત્ર આપવા જશે. તેમની મુખ્ય માંગ છે કે રાજ્યના શિક્ષણ મંત્રી કેન્દ્રના શિક્ષણ મંત્રી સાથે સીધું સંકલન સાધે. આ કૌભાંડ પાછળ કોનો હાથ છે તે શોધવા માટે ભણેલા-ગણેલા અને તટસ્થ વ્યક્તિની મદદ લેવામાં આવે. રત્નાબેન નંદાણીયાએ ભારપૂર્વક જણાવ્યું કે, "અમે એમ નથી કહેતા કે બધો સરકારનો જ વાંક છે, કદાચ સરકારને ખબર પણ ન હોય. પરંતુ તેઓ સત્તા પર બેઠા છે તો તેમનામાં એટલી તાકાત હોવી જોઈએ કે આ ગુનેગારોને પકડી પાડે અને તેમની સામે શું કડક કાર્યવાહી કરી તે દેશના તમામ વાલીઓ સામે જાહેર કરે." તેમણે વારંવાર થતા પેપર લીક અંગે ચિંતા વ્યક્ત કરી. રત્નાબેને કહ્યું કે, આવી ઘટનાઓથી દેશ પોતાના હોનહાર બાળકો ગુમાવી રહ્યો છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને અને વિદ્યાર્થીઓ સુરક્ષિત માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે આ લડત ચાલુ રહેશે.
Read Original Article →