જામનગરમાં નેવી અધિકારીઓની કારનો અકસ્માત, એકનું મોત:વ્હીલ છૂટું પડતાં કાર પલટી, તાલીમાર્થી ગાડીમાંથી બહાર ફંગોળાઈ જતાં મોતને ભેટ્યો, બેને ઈજા
જામનગરના વાલસુરા રોડ પર રવિવારે થયેલા માર્ગ અકસ્માતમાં નેવીના એક તાલીમાર્થી અધિકારીનું મૃત્યુ થયું છે, જ્યારે અન્ય બે અધિકારીને સામાન્ય ઈજાઓ પહોંચી છે. આ ઘટના આઈ.એન.એસ. વાલસુરા નજીક મેઈન ગેટથી લગભગ એક કિલોમીટર દૂર બની હતી. પ્રાથમિક વિગતો મુજબ, ત્રણ નેવી તાલીમાર્થી અધિકારીઓ પુણેમાં તાલીમ પૂર્ણ કરીને મુંબઈથી ફ્લાઈટ દ્વારા જામનગર પહોંચ્યા હતા અને કારમાં વાલસુરા તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. ફરિયાદ અનુસાર, કાર ચાલક અનુવ્રત પાંડે ગાડી પૂરઝડપે ચલાવી રહ્યા હતા. અચાનક ગાડીનું એક વ્હીલ રસ્તાની બહાર ઉતરી જતાં સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે, કાર પલટીઓ મારીને રસ્તાની બાજુએ ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં પાછળની સીટ પર બેઠેલા તાલીમાર્થી અધિકારી અંશુ ગાડીમાંથી બહાર ફંગોળાઈ ગયા હતા. તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તાત્કાલિક જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ગાડી ચલાવતા અનુવ્રત પાંડે અને બાજુમાં બેઠેલા સબ લેફ્ટનન્ટ સૌમ્યારંજન સાહુએ સીટ બેલ્ટ બાંધેલા હોવાથી તેઓને સામાન્ય ઈજાઓ સાથે બચાવી લેવામાં આવ્યા હતા. આ મામલે સબ લેફ્ટનન્ટ સૌમ્યારંજન સાહુ દ્વારા જામનગર પોલીસમાં કારચાલક અનુવ્રત પાંડે વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →