જામનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસને ફટકો:ટેક્નિકલ ખામી અને કાયદાકીય ગૂંચવણો વચ્ચે વોર્ડ 5માં કોંગી ઉમેદવારનું ફોર્મ રદ, વોર્ડ 7માં ભાજપના ઉમેદવાર માન્ય

Gujarat4/13/2026, 10:51:27 AM
જામનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસને ફટકો:ટેક્નિકલ ખામી અને કાયદાકીય ગૂંચવણો વચ્ચે વોર્ડ 5માં કોંગી ઉમેદવારનું ફોર્મ રદ, વોર્ડ 7માં ભાજપના ઉમેદવાર માન્ય
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ ઉમેદવારી પત્રોની ચકાસણી પ્રક્રિયા દરમિયાન હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. ટેકનિકલ ખામી અને કાયદાકીય ગૂંચવણો વચ્ચે ચૂંટણી અધિકારીએ લીધેલા નિર્ણયોએ રાજકીય સમીકરણો બદલી નાખ્યા છે. વોર્ડ 5માં મેન્ડેટમાં સહીની વિસંગતતા નડી વોર્ડ નંબર 5 માં કોંગ્રેસના ઉમેદવાર ગીરીરાજસિંહ જેઠવા સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. તેમના પક્ષના મેન્ડેટમાં સહી સંબંધિત વિસંગતતા હોવાનું સામે આવ્યું હતું. ચૂંટણી અધિકારી સમક્ષ બંને પક્ષો દ્વારા લાંબી દલીલો કરવામાં આવી હતી, પરંતુ અંતે આ ટેકનિકલ ખામીને ગંભીર ગણી અધિકારીએ જેઠવાનું ફોર્મ રદ કરવાનો આદેશ આપ્યો હતો. ચૂંટણીના પ્રારંભિક તબક્કે જ એક બેઠક ગુમાવવી એ કોંગ્રેસ માટે મોટો ઝટકો ગણાઈ રહ્યો છે. વોર્ડ 7માં ત્રણ સંતાનનો મુદ્દો અને ભાજપને રાહત વોર્ડ નંબર 7માં ભાજપના ઉમેદવાર શીતલબેન વાઘેલા સામે ત્રણ સંતાનો હોવા બાબતે વાંધા અરજી દાખલ કરવામાં આવી હતી. આ મામલે કાયદાકીય ગૂંચવણ ઉભી થતા ભારે ચર્ચાઓ જાગી હતી. જોકે, રજૂ કરવામાં આવેલા પુરાવાઓ અને કાયદાકીય જોગવાઈઓની સમીક્ષા બાદ ચૂંટણી અધિકારીએ વાંધા અરજી ફગાવી વાઘેલાનું ફોર્મ માન્ય રાખ્યું હતું. આ નિર્ણયથી ભાજપમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી ફોર્મ ચકાસણી સમયે ચૂંટણી અધિકારીની કચેરીમાં બંને પક્ષના દિગ્ગજ નેતાઓ ઉતરી આવ્યા હતા. ભાજપ તરફથી લીગલ સેલના હેમલ ચોટાઈ, રાજુ ગોસાઈ અને શહેર પ્રમુખે મોરચો સંભાળ્યો હતો. કોંગ્રેસ તરફથી પૂર્વ સાંસદ વિક્રમ માડમ, જયેન્દ્રસિંહ ઝાલા અને આનંદ ગોહિલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. બંને પક્ષોના વકીલો અને નેતાઓ વચ્ચે ઉગ્ર દલીલો અને બોલાચાલી થતા વાતાવરણ તંગ બન્યું હતું. બપોરે 3:00 વાગ્યા બાદ ચૂંટણી અધિકારીએ આખરી ચુકાદો આપતા સ્થિતિ સ્પષ્ટ થઈ હતી. કોંગ્રેસે ચૂંટણી પહેલા ઉમેદવાર ગુમાવ્યો જામનગર મનપા ચૂંટણીના મેદાનમાં પ્રચાર શરૂ થાય તે પહેલા જ ભાજપે કાયદાકીય જંગમાં સરસાઈ મેળવી લીધી હોય તેવું ચિત્ર ઉપસ્યું છે, જ્યારે કોંગ્રેસે પોતાની એક મહત્વની બેઠક પરથી ઉમેદવાર ગુમાવતા હવે આગામી રણનીતિ પર ભાર મૂકવો પડશે.
Read Original Article →