જામનગર હાઈવે પર બાઇક સ્ટંટનો વીડિયો વાયરલ:યુવકે મોટી ખાવડી નજીક બાઇક પર સૂઈને સ્ટંટ કરી લોકોના જીવ જોખમમાં મૂક્યા; નંબરના આધારે પોલીસ તપાસ શરૂ કરી
જામનગર-ખંભાળિયા હાઈવે પર બાઇક પર જોખમી સ્ટંટ કરતો એક યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં યુવક પોતાના અને અન્ય વાહનચાલકોના જીવ જોખમમાં મૂકતો જોવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના જામનગર નજીક ખંભાળિયા હાઈવે પર આવેલા મોટી ખાવડી ગામ પાસેથી રિલાયન્સ ગ્રીન તરફ જતા રોડ પર બની હતી. વીડિયોમાં એક અજાણ્યો યુવક બાઇકની સીટ પર આડો સૂઈને તેને પૂરપાટ ઝડપે ચલાવી રહ્યો છે, જ્યારે હાઈવે પર અન્ય વાહનોની અવરજવર પણ ચાલુ છે. હાઈવે પરથી પસાર થતા અન્ય એક વાહનચાલકે આ જોખમી સ્ટંટનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે સહેજ પણ સંતુલન ગુમાવવાથી મોટો અકસ્માત સર્જાઈ શકે છે. આ જોખમી સ્ટંટબાજીને કારણે સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેઓ જામનગર પોલીસ પાસે આ વીડિયોના આધારે બાઇકના નંબર શોધીને સ્ટંટ કરનાર યુવક સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે.
Read Original Article →