ઓનલાઈન દવા વેચાણ સામે દેશભરમાં કેમિસ્ટ એસોસિએશનની હડતાળ:જામનગરમાં 700 મેડિકલ સ્ટોર્સ બંધ, 7 સ્થળોએ ઈમરજન્સી દવા મળશે

Gujarat5/20/2026, 6:02:34 AM
ઓનલાઈન દવા વેચાણ સામે દેશભરમાં કેમિસ્ટ એસોસિએશનની હડતાળ:જામનગરમાં 700 મેડિકલ સ્ટોર્સ બંધ, 7 સ્થળોએ ઈમરજન્સી દવા મળશે
જામનગર સહિત સમગ્ર દેશમાં કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા ઓનલાઈન દવાઓના વેચાણના વિરોધમાં સજ્જડ હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. આ રાષ્ટ્રવ્યાપી બંધના પગલે જામનગર શહેરમાં આવેલા 700 જેટલા નાના-મોટા મેડિકલ સ્ટોર્સ આજે સંપૂર્ણપણે બંધ રહેશે. તમામ પ્રકારની દવાઓનું વેચાણ અટકાવી દેવામાં આવ્યું છે. જોકે, આ હડતાળના કારણે ગંભીર બીમારીથી પીડાતા અને તાત્કાલિક દવાની જરૂરિયાતવાળા દર્દીઓને હાલાકી ન પડે તે માટે રાહતરૂપ નિર્ણય લેવાયો છે. જામનગર એસોસિએશન દ્વારા માનવતાના ધોરણે શહેરના અલગ-અલગ ૭ નિયત સ્થળો પર ઈમરજન્સી દવાઓનું વેચાણ રાબેતા મુજબ ચાલુ રાખવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મેડિકલ સ્ટોરના સંચાલકો અને એસોસિએશન દ્વારા કરવામાં આવી રહેલા આ ઉગ્ર વિરોધના મૂળમાં મુખ્યત્વે ઈ-ફાર્મસી એટલે કે ઓનલાઈન દવાઓના વેચાણનો મુદ્દો રહેલો છે. મોટા કોર્પોરેટ ગૃહો અને વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ્સ દ્વારા ગ્રાહકોને આકર્ષવા માટે દવાઓ પર તોતિંગ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, જેનો સ્થાનિક કેમિસ્ટો દ્વારા સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, જામનગર કેમિસ્ટ એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શનમાં એવો પણ ગંભીર મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે કે ઓનલાઈન માર્કેટમાં નકલી અને ડુપ્લિકેટ દવાઓનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. એસોસિએશનનો દાવો છે કે આ ઓનલાઈન વેચાણ લોકોના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડાં સમાન છે, તેથી તેના પર તાત્કાલિક ધોરણે સરકારે કડક નિયંત્રણો અને પ્રતિબંધ મુકવો જોઈએ. જોકે, આ હડતાળ અને વિરોધ પ્રદર્શન પાછળનું બીજું અને વાસ્તવિક ચિત્ર પણ ઘણું સ્પષ્ટ છે, જેમાં મેડિકલ સંચાલકોની બેવડી નીતિ છતી થાય છે. બજારના નિરીક્ષકોમાં એવી ચર્ચા ઉઠી છે કે મેડિકલ સ્ટોરના સંચાલકોને અત્યારે અચાનક ઓનલાઈન ડુપ્લિકેટ દવાઓ વેચાઈ રહી હોવાનો મુદ્દો કેમ યાદ આવ્યો? ખરી હકીકત એ છે કે ઓનલાઈન પ્લેટફોર્મ પર દવાઓ ખૂબ જ સસ્તા ભાવે અને આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે મળતી હોવાના કારણે ગ્રાહકો તે તરફ વળ્યા છે. જેના લીધે સ્થાનિક મેડિકલ સ્ટોર્સના ધંધા લગભગ ચોપટ થઈ ગયા છે. મોટાભાગનો વેપાર ઓનલાઈન શિફ્ટ થઈ જતાં સ્થાનિક વેપારીઓની આવક અને નફા પર સીધો ફટકો પડ્યો છે. પોતાના ઠપ થઈ ગયેલા આ ધંધાને બચાવવાના પ્રયાસરૂપે સંચાલકો હવે માત્ર 'ડુપ્લિકેટ દવાઓ'ના બહાના હેઠળ ઓનલાઈન માર્કેટનો અને ગ્રાહકોને મળતા ડિસ્કાઉન્ટનો વિરોધ કરી રહ્યા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
Read Original Article →