દરિયાઈ સરહદે કોસ્ટલ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ:આતંકવાદી પ્રવૃત્તિઓ અને ગેરકાયદેસર ગતિવિધિઓને રોકવા મરીન ટાસ્ક ફોર્સ અને પોલીસનું સંયુક્ત મેગા સર્ચ ઓપરેશન

Gujarat5/20/2026, 12:27:29 PM
દરિયાઈ સરહદે કોસ્ટલ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ:આતંકવાદી પ્રવૃત્તિઓ અને ગેરકાયદેસર ગતિવિધિઓને રોકવા મરીન ટાસ્ક ફોર્સ અને પોલીસનું સંયુક્ત મેગા સર્ચ ઓપરેશન
જામનગરના દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સ અને પોલીસે સંયુક્ત મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચેની તંગદિલીને પગલે દેશની દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનાવવા આ સઘન કોસ્ટલ પેટ્રોલિંગ કરાયું હતું. રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે આ ઓપરેશન હાથ ધરાયું હતું. આતંકવાદી પ્રવૃત્તિઓ અને ગેરકાયદેસર ગતિવિધિઓને રોકવાના આશયથી જામનગર જિલ્લાના સમગ્ર કોસ્ટલ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગનું આયોજન કરાયું. આ વિશેષ સુરક્ષા અભિયાન એ.ટી.એસ. અને કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસ મહાનિર્દેશક અમિતકુમાર વિશ્વકર્મા, દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સના નાયબ પોલીસ મહાનિરીક્ષક એ.એમ. મુનિયા તેમજ મરીન ટાસ્ક ફોર્સ હજીરાના પોલીસ અધિક્ષક એસ.જે. પરમારના સીધા માર્ગદર્શન હેઠળ યોજાયું હતું. ઓપરેશનને સફળ બનાવવા માટે મરીન ટાસ્ક ફોર્સ, જામનગર સેક્ટરના પી.આઈ. ધરમવીર આર. યાદવ, પી.એસ.આઈ. જી.એમ. બોપલિયા, ડી.એચ. જાડેજા, તમામ મરીન કમાન્ડોઝ અને બેડી મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફે સંયુક્ત રીતે કામગીરી કરી હતી. મરીન કમાન્ડો અને પોલીસ વિભાગ દ્વારા દરિયાઈ તેમજ જમીની માર્ગે સંયુક્ત ફૂટ અને બોટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ખારા બેરાજા, માધાપર ભૂંગા, રોઝી બંદર, નવા બંદર, બેડી બંદર અને તેની આસપાસના સમગ્ર કોસ્ટલ એરિયાને આવરી લેવાયા હતા. ઓપરેશન દરમિયાન દરિયાકાંઠાના ફિશ લેન્ડિંગ પોઇન્ટ્સ, ફિશિંગ સેન્ટર્સ, મહત્વના સ્થાપનો (વાઇટલ એરિયા) તેમજ અવાવરુ અને સરહદી જગ્યાઓનું ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધરાયું. દરિયામાં ફરતી શંકાસ્પદ બોટો અને શંકાસ્પદ ઈસમોની પણ કડક પૂછપરછ અને તપાસ કરવામાં આવી હતી, જેથી કોઈ અનિચ્છનીય ઘટના અટકાવી શકાય.
Read Original Article →