લાલપુરના ખટિયા ગામ પાસે દીપડાના આંટાફેરા:કારચાલકે વીડિયો વાયરલ કરતા વનતંત્ર દોડતું થયું

Gujarat5/24/2026, 11:31:33 AM
લાલપુરના ખટિયા ગામ પાસે દીપડાના આંટાફેરા:કારચાલકે વીડિયો વાયરલ કરતા વનતંત્ર દોડતું થયું
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાની અવરજવર જોવા મળી છે. ખટિયા-સમાણા રોડ પર એક કારચાલકે દીપડાનો વીડિયો કેદ કર્યો હતો, જે સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. આ ઘટનાને પગલે જામનગર વન વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, લાલપુરના ખટિયા ગામ પાસેથી પસાર થતા ખટિયા-સમાણા રોડ પર રાત્રિના અથવા વહેલી સવારના સમયે એક દીપડો રસ્તાની આસપાસ આંટાફેરા કરતો જોવા મળ્યો હતો. તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક કારચાલકે દીપડાને જોઈ તેનો લાઈવ વીડિયો પોતાના મોબાઈલમાં શૂટ કરી લીધો હતો. દીપડો દેખાયાની પાકી માહિતી અને વીડિયો સામે આવતા જ જામનગર વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વનતંત્ર દ્વારા દીપડાના પગમાર્ક મેળવવા અને તેની ચોક્કસ દિશા જાણવા માટે ખટિયા અને આસપાસના સીમ વિસ્તારોમાં સઘન તપાસ તેમજ નાઈટ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. દીપડાની હાજરીને પગલે વન વિભાગ દ્વારા ખટિયા, સમાણા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના નાગરિકો તેમજ ખેડૂતોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. વનતંત્રે રાત્રિના સમયે વાડી-ખેતરોમાં એકલા બહાર નીકળવાનું ટાળવા, સીમ વિસ્તારમાં અવરજવર કરતી વખતે ટોર્ચ અથવા લાકડી રાખવા અને સમૂહમાં રહેવાની સલાહ આપી છે. વધુમાં, વન વિભાગે જણાવ્યું છે કે વન્યજીવ દેખાય તો તેની પાછળ ભાગવા કે પજવણી કરવાને બદલે તાત્કાલિક વન વિભાગને જાણ કરવી. હાલ વન વિભાગની ટીમ દ્વારા દીપડાની હિલચાલ પર સતત વોચ રાખવામાં આવી રહી છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.
Read Original Article →